જમીન સોદામાં અસલ ચહેરો રાહુલ ગાંધીનો છે : સ્મૃતિ ઈરાની

14 March, 2019 07:45 AM IST  |  નવી દિલ્હી

જમીન સોદામાં અસલ ચહેરો રાહુલ ગાંધીનો છે : સ્મૃતિ ઈરાની

નવી દિલ્હીમાં પત્રકાર-પરિષદ દરમ્યાન સ્મૃતિ ઈરાની.

જમીનોના સોદાના ભ્રષ્ટાચારમાં કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીની સંડોવણીનો આરોપ મૂકતાં BJPનાં નેતા અને કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે ‘કૉંગ્રેસે લાંચ-રુશ્વત તથા ગેરરીતિઓને સંસ્થાકીય રૂપે સ્થાપિત કરીને ‘પારિવારિક ભ્રષ્ટાચાર’ની વ્યાખ્યા આપી છે. સાળા (રાહુલ) જીજાજી (રૉબર્ટ વાડ્રા) સાથે ભ્રષ્ટાચારના ‘ફૅમિલી પૅકેજ’માં સંડોવાયેલા છે એ હકીકત આખો દેશ જાણે છે. રૉબર્ટ વાડ્રા તો મહોરું છે, અસલ ચહેરો તો રાહુલ ગાંધી છે.’

દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં મીડિયા રિપોર્ટને ટાંકતાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે ‘રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી-વાડ્રાએ એચ. એલ. પાહવા અને મહેશ કુમાર નાગરને સાંકળતા સોદા દ્વારા જમીન ખરીદી હતી. એચ. એલ. પાહવા પર EDએ દરોડો પાડ્યો હતો. રૉબર્ટ વાડ્રાને સંડોવતા જમીન સોદામાં મહેશકુમાર નાગરની ભૂમિકા છે.’

સ્મૃતિ ઈરાનીએ પત્રકારોને જણાવ્યું હતું કે ‘સંરક્ષણ સોદા (રાફેલ ડીલ) સામે રાહુલ ગાંધીના વિરોધનું મુખ્ય કારણ તેમનાં નાણાકીય અને પારિવારિક હિતો છે, કારણ કે રાહુલ ગાંધી રાફેલનો કૉન્ટ્રૅક્ટ હરીફ કંપનીને ફાળવાય એવી ઇચ્છા ધરાવતા હતા. કૉંગ્રેસના પ્રમુખે એચ. એલ. પાહવા સાથે તેમના સંબંધો અને જમીન સોદા વિશે સ્પષ્ટતા કરવી જોઈએ.’

સ્મૃતિ ઈરાનીના આરોપોને રદિયો આપતાં કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે ‘BJPને લોકસભાની ચૂંટણીમાં પરાજય નજર સામે દેખાતો હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નિકટના લોકો સાવ નિરાધાર અને ખોટા આરોપો મૂકે છે.’

smriti irani rahul gandhi robert vadra national news new delhi