સુપ્રીમના ચુકાદા પહેલાં યુપી પોલીસ, ખાનગી એજન્સીઓ હાઈ અલર્ટ પર

31 October, 2019 02:48 PM IST  |  નવી દિલ્હી

સુપ્રીમના ચુકાદા પહેલાં યુપી પોલીસ, ખાનગી એજન્સીઓ હાઈ અલર્ટ પર

સુપ્રીમ કોર્ટ

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અંતિમ ચુકાદો જાહેર કરાય તે પહેલાં દેશની ખાનગી સુરક્ષા એજન્સીઓ હાઈ અલર્ટ પર છે. ચુકાદાને લઈને ઇન્ટેલિજન્સ બ્યુરોએ ઉત્તર પ્રદેશના મુખ્ય ધાર્મિક સ્થળોની સુરક્ષાવ્યવસ્થાની સમીક્ષા કરી છે. સાથે જ ઉત્તર પ્રદેશ પોલીસને પણ વધુ સતર્કતા દાખવવા નિર્દેશ આપ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરક્ષા એજન્સીઓએ અયોધ્યા. મથુરા અને વારાણસી માટે વિશેષ સુરક્ષા પ્લાન બનાવ્યો છે. બીજી તરફ આઇબીની એક ટીમે અયોધ્યામાં જ ધામા નાખ્યા છે.

એવું મનાઈ રહ્યું છે કે કેન્દ્રીય અને ઉત્તર પ્રદેશની સુરક્ષા એજન્સીઓ વચ્ચે જલદી જ આ મામલે સમન્વય બેઠક યોજાશે.
અયોધ્યા કેસમાં પાંચ જજોની ખંડપીઠે સળંગ ૪૦ દિવસ બન્ને પક્ષોની દલીલો સાંભળી સુનાવણી પૂર્ણ કરી છે. હવે સમગ્ર દેશને સુપ્રીમ કોર્ટના અંતિમ અને નિર્ણાયક ચુકાદાનો ઇંતેજાર છે.

આરએસએસ અને વીએચપીએ કર્યા પોતાના તમામ કાર્યક્રમો સ્થગિત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટના આવનારા નિર્ણયને લઈને નવેમ્બર મહિનાના પોતાના તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં કેન્દ્રીય પદાધિકારીઓના જિલ્લામાં થનારા પ્રવાસ પર હાલમાં રોક લગાવી દેવાઈ છે. આ સિવાય લખનઉમાં અખિલ ભારતીય સ્તરે આયોજિત એકલ વિદ્યાલય કુંભ કાર્યક્રમને પણ સ્થગિત કરી દેવામાં આવ્યો છે, જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે પણ હાલમાં તમામ કાર્યક્રમો સ્થગિત કર્યા છે.

સૂત્રોનું કહેવું છે કે સંઘ અયોધ્યાને લઈને સાવધાની વર્તી રહ્યું છે. તેમનું માનવું છે કે નિર્ણય બાદ કોઈ અપ્રિય ઘટનાથી બચવા માટે સમગ્ર મહિનાના કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ પહેલેથી જ પોતાના ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ અને હિતચિંતક કાર્યક્રમોને હાલપૂરતા ટાળ્યા છે. વીએચપીના મીડિયા પ્રભારી શરદ શર્માએ માન્યું છે કે તેમના સંગઠને નિર્ધારિત કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે.

ayodhya verdict ayodhya supreme court national news