પટનામાં બે દિવસ ભારે વરસાદની આગાહી

04 October, 2019 11:45 AM IST  |  પટના

પટનામાં બે દિવસ ભારે વરસાદની આગાહી

પટનામાં ભારે વરસાદ

હવામાન વિભાગે બિહારના પટના, વૈશાલી, બેગુસરાય અને ખગડિયા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. પટના વહીવટી તંત્રે આગામી બે દિવસ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. વીતેલા ૭૨ કલાકમાં વરસાદ ન પડતાં ફરી એક વાર નૈર્ઋત્યના ચોમાસાએ યુટર્ન લીધો છે. પૂર્વ ઉત્તર પ્રદેશ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે ટ્રફ લાઇન બિહારથી બંગાળ તરફ ફંટાઈ રહી છે. આને કારણે જ ફરી એક વાર આફતનાં એંધાણ સાંપડ્યાં છે.

આ પણ વાંચો : મૅરેજ બ્યુરોએ મુરતિયો ન શોધી આપ્યો એટલે યુવતીને એક લાખ પાછા આપવા પડશે

હવામાન વિભાગે તો પટના સહિત રાજ્યના ૧૦ જિલ્લામાં અલર્ટ જારી કરી છે. બુધવારે એક પણ જિલ્લામાં અલર્ટ નહોતી. આ સીઝનમાં પટના માટે પહેલી વાર ઑરેન્જ અલર્ટ અપાઈ છે. આ અગાઉ બે વખત યલો અલર્ટ જારી કરાઈ હતી. બિહારમાં અત્યાર સુધીમાં પૂરને લીધે ૭૩ વ્યક્તિનાં મોત થઈ ચૂક્યાં છે અને ૧૫ જિલ્લા વિભાગમાં ૨૧ લાખની વસ્તીને અસર થઈ છે. પટનાના કલેક્ટરે જણાવ્યું કે પાણી ઉલેચવા, ઢોર-ઢાંખરના મૃતદેહોના નિકાલ માટે તેમ જ લોકોને રાહત પહોંચાડવા માટે ૭૫ ટીમ જોતરાઈ છે.

patna national news