Twitter CEO-અધિકારીઓએ સંસદીય સમિતિ સામે હાજર થવાનો કર્યો ઈનકાર

09 February, 2019 04:38 PM IST  | 

Twitter CEO-અધિકારીઓએ સંસદીય સમિતિ સામે હાજર થવાનો કર્યો ઈનકાર

ટ્વિટરનો સંસદીય સમિતિને ઈનકાર

ટ્વિટરના સીઈઓ જૅક ડોર્સી અને ટોચના અધિકારીઓએ ભારતની સંસદીય સમિતિ સામે હાજર થવાની ના પાડી દીધી છે. સંસદીય સમિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નાગરિકોના અધિકારોની સુરક્ષા મામલે તેમને હાજર થવા સમન્સ આપ્યા હતા. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરની અધ્યક્ષતાવાળી કમિટીએ 1 ફેબ્રુઆરીએ સત્તાવાર પત્ર લખીને ટ્વિટરને સમન્સ આપ્યા હતા. સંસદય સમિતિની આ બેઠક 7 ફેબ્રુઆરીએ થવાની હતી, પરંતુ ટ્વિટરના સીઈઓ અને અધિકારીઓના લીધે તેને 11 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવાઈ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ટ્વિટરે ટૂંકાગાળામાં મળેલી નોટિસને કારણે હાજર થવા ઈનકાર કરી દીધો છે. જો કે ટ્વિટરના અધિકારીઓને દિલ્હી આવવા માટે 10 દિવસનો ટાઈમ અપાયો હતો. કહેવાઈ રહ્યું છે કે સંસદીય આઈટી સમિતિ દ્વારા ટ્વિટરને મોકલવામાં આવેલા પત્રમાં કંપનીના પ્રમુખને સંસદીય સમિતિ સામે હાજર થવા નિર્દેશ કરાયો હતો. જો કે ટ્વિટરના અધિકારીઓએ તેની સ્પષ્ટ ના પાડી દીધી છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી નાગરિકોના ડેટાની ગોપનીયા અને ચૂંટણીમાં હસ્તક્ષેપ મામલે ચિંતા વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે ટ્વિટર પર ભારતમાં રાજકીય ભેદભાવનો આરોપ લાગ્યો છે. જેના પર શુક્રવારે ટ્વિટરે સ્પષ્ટતા કરી હતી. ટ્વિટર ઈન્ડિયાએ કહ્યું કે તમામ યુઝર્સને અમે એક સરખા જ માનીએ છીએ અને એક જેવા જ નિયમો લાગુ કરીએ છીએ. અમે રાજકીય વિચારોને આધારે અકાઉન્ટ બ્લોક ન કરી શકીએ. બાદમાં ટ્વિટરને 1 ફેબ્રુઆરીએ ટ્વિટર આઈટી સ્ટેન્ડિંગ કમિટી સામે ભેદભાવના આરોપો સામે પોતાનો પક્ષ મૂકવા કહેવાયું હતું.

આ પણ વાંચોઃ ટ્વિટર પર આવી ગયા છે BSP સુપ્રીમો માયાવતી, પાર્ટીની સત્તાવાર જાહેરાત

ટ્વિટર પર ભાજપના સમર્થકોએ આરોપ લગાવ્યો હતો કે કંપની દક્ષિણ પંથી વિચારો વિરુદ્ધ એક્શન લે છે અને ભાજપ તેમજ જમણેરી વિચારધારા ધરાવતા અકાઉન્ટ બ્લોક કરી રહી છે.

national news anurag thakur