આ વખતે ૨૮ ઝાંખીની પસંદગી કરાઈ : સંરક્ષણ મંત્રાલય

03 January, 2020 04:01 PM IST  |  Mumbai Desk

આ વખતે ૨૮ ઝાંખીની પસંદગી કરાઈ : સંરક્ષણ મંત્રાલય

કેન્દ્ર સરકાર અને મમતા બૅનરજી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ બંધ થવાનું નામ જ નથી લઈ રહી. એવામાં રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ૨૬ જાન્યુઆરીએ યોજાનારી ગણતંત્ર દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીને રદ કરી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળ સરકાર છોકરીઓ માટે ચાલતી યોજના કન્યાશ્રી’ને ગણતંત્ર પરેડમાં દર્શાવવા ઇચ્છતી હતી. આ યોજનાને આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણવામાં પણ આવી હતી.

મંત્રાલયે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવની તપાસ એક્સપર્ટ કમિટીએ બે રાઉન્ડની બેઠકમાં કરી છે. બીજી કમિટીની બેઠકમાં વિસ્તારપૂર્વક ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેમની આ ઝાંખીને પરવાનગી આપવામાં નહીં આવે. ત્યાર બાદ પશ્ચિમ બંગાળના અધિકારીઓએ જણાવ્યું કે રક્ષા મંત્રાલયની એક્સપર્ટ કમિટીની બેઠકમાં ઝાંખી વિશે ચર્ચા કરવા માટે અમને બોલાવવામાં જ નહોતા આવ્યા.
નોંધનીય છે કે ૨૦૧૫થી લઈને અત્યાર સુધી પશ્ચિમ બંગાળ સરકાર બે વખત ‘કન્યાશ્રી’ યોજના દર્શાવવાનો પ્રયત્ન કરી ચૂકી છે, પરંતુ બન્ને વખત તેમને આ માટે મંજૂરી મળી નહોતી. ૨૦૧૮માં બંગાળ સરકારે ‘એકતા-એ-સમ્પ્રતિ’ એટલે કે ‘એકતા જ ભાઈચારો છે’ની થીમ પર ઝાંખી કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યારે પણ કંઈક આવો જ મામલો સામે આવ્યો હતો.
આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ માટે ૫૬માંથી કુલ ૨૨ ઝાંખીઓની પસંદગી કરવામાં આવી છે જેમાંથી ૧૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી અને ૬ અલગ-અલગ મંત્રાલયોમાંથી છે.

૨૦૧૯ના પ્રજાસત્તાક દિને પશ્ચિમ બંગાળનો ચિત્રરથ-ટેબ્લો રાજપથ પરથી પસાર થયો હતો. આ વર્ષે પ્રજાસત્તાક દિન માટેનો પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે રચેલો ચિત્રરથ-ટેબ્લો નામંજૂર કરવાના કેન્દ્ર સરકારના પગલા બદલ એ રાજ્યના સત્તાધારી પક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસે કેન્દ્રની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

national news west bengal narendra modi mamata banerjee