દુશ્મન સમજી ગયો કે ભારતીય સેના ઘરમાં ઘૂસશે પણ અને મારશે પણ

27 February, 2020 11:21 AM IST  |  Mumbai Desk

દુશ્મન સમજી ગયો કે ભારતીય સેના ઘરમાં ઘૂસશે પણ અને મારશે પણ

એક વર્ષ પહેલાં બરાબર આજના જ દિવસે એટલે કે ૨૬મી ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સામે ઍરસ્ટ્રાઈક કરીને પુલવામા હુમલાનો બદલો લીધો હતો. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પુલવામામાં સીઆરપીએફની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ દેશભરના લોકો ગુસ્સામાં હતા અને ચૂંટણી પણ નજીક હતી. તપાસ દરમ્યાન આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાની વાત સાબિત થઈ હતી.

ત્યારબાદ ૨૬ ફેબ્રુઆરી એટલે કે પુલવામા હુમલાના આશરે બે અઠવાડિયાં બાદ વાયુસેનાએ મધ્ય રાત્રીએ પાકિસ્તાનના બાલાકોટમાં ઍરસ્ટ્રાઈક હુમલો કર્યો હતો. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટ્રેઇનિંગ સેન્ટરને નેસ્તનાબૂદ કરી દીધું હતું. આ હુમલાના સૂત્રધાર રહેલા તત્કાલીન વાયુસેના પ્રમુખ બી. એસ. ધનોઆ અને વર્તમાન ઍરફોર્સ ચીફ આરકેએસ ભદોરિયાએ આ અંગેની માહિતી દેશવાસીઓ સમક્ષ જાહેર કરી હતી.

બાલાકોટ ઍરસ્ટ્રાઇકની પહેલી વર્ષગાંઠ પર વાયુસેનાના ચીફ (ઍર ચીફ માર્શલ) આરએસકે ભદોરિયાએ શ્રીનગરમાં ૫૧ સ્ક્વોડ્રન સાથે મિગ-૨૧ બાઇસનમાં ઉડાન ભરી હતી. ૫૧ સ્ક્વોડ્રન એ જ એકમ છે જેણે બાલાકોટ ઍરસ્ટ્રાઇક કર્યું હતું.

ભદોરિયાએ કહ્યું કે ‘યુદ્ધ એ જરૂર હોય ત્યારે વર્દીધારી યોદ્ધાઓના સામૂહિક સાહસ અને પ્રયત્નોના આધાર પર લડવામાં આવે છે. બાલાકોટ અૅરસ્ટ્રાઈક સીમા પાર જઈને આતંકવાદની વિરોધમાં ભારતની નીડર કાર્યવાહીથી મહત્ત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. આ કાર્યવાહીને પારંપારિક લડાઈથી વિશેષ ઍર પાવરના ઉપયોગની રણનીતિ બદલી દીધી છે. અમે દુશ્મનોને એક સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે હવે તેમની કોઈ પણ નાપાક કરતૂતને ભારત સાંખી નહીં લે. હવે દુશ્મનો સમજી ગયા છે, ભારત કોઈ પણ અટકચાળો સહન નહીં કરી લે. ભારતીય સેના ઘરમાં ઘૂસશે પણ ખરી અને મારશે પણ ખરી. અમે દરેક પ્રકારના યુદ્ધ માટે તૈયાર છીએ.’

national news indian army