બીકેસી અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે એલિવેટેડ રોડ ત્રણ મહિનામાં બંધાશે

02 November, 2019 02:24 PM IST  |  મુંબઈ ડેસ્ક | રણજિત જાધવ

બીકેસી અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે એલિવેટેડ રોડ ત્રણ મહિનામાં બંધાશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઇઃ સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ (એસસીએલઆર)નું એક્સટેન્શન ગણાતો ૩.૮ કિલોમીટરનો એલિવેટેડ રોડ જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના સુધીમાં બંધાઈ જતાં વાહનચાલકો બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે વચ્ચેનું અંતર માત્ર પંદર મિનિટમાં પૂરું કરી શકશે. પૂર્વનાં અને પશ્ચિમનાં પરાંમાં વાહનવ્યવહારની ગીચતા ઘટાડવામાં એલિવેટેડ રોડ નોંધપાત્ર પ્રમાણમાં મદદરૂપ થશે. એલિવેટેડ રોડ કાપડિયા જંક્શનથી શરૂ થઈને વાકોલા જંક્શન પાસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પૂરો થશે.

પીક અવર્સમાં સીએસટી રોડ, બીકેસી રોડ અને કલિના રોડ પર વાહનોનો ભારે ધસારો રહેતો હોવાથી બીકેસી વિસ્તારના માર્ગો પર ગીચતા વધે છે. એ ગીચતાની સમસ્યા એલિવેટેડ રોડ દ્વારા ઉકેલાવાની અપેક્ષા રાખવામાં આવે છે. નવો રોડ કુર્લા (પશ્ચિમ) અને કાપડિયા જંક્શન પાસે ટ્રાફિક જૅમની સમસ્યા ઘટાડશે. ૨૦૧૭માં શરૂ થયેલો ૪૦૦ કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે હોવાનું મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ના અધિકારીઓએ જણાવ્યું હતું.

મુમ્બ્રા બાયપાસ ફરી ચાર મહિના માટે બંધ?
મુંબઈ (મિડ-ડે પ્રતિનિધિ) ગયા વર્ષે જ સમારકામ કરવામાં આવેલો અને એના માટે ચાર મહિના બંધ રાખવામાં આવેલો મુમ્બ્રા બાયપાસ હવે ફરી એક વાર ચાર મહિના માટે બંધ રહેવાનો છે. વર્ષ આખા દરમ્યાન બાયપાસની ખરાબ હાલત થઈ ગઈ હોવાથી સાર્વજનિક બાંધકામ વિભાગે ફરી સમારકામ હાથ ધરવાનો નિર્ણય લીધો છે. એ અનુસાર ચાર મહિના માટે બાયપાસ બંધ રાખવામાં આવશે. જોકે એક જ વર્ષમાં બાયપાસની હાલત આટલી ખરાબ થઈ ગઈ હોવાથી સાર્વજનિક બાંધકામ વિભાગે હાથ ધરેલા કામના દરજ્જા પર અનેક સવાલ ઊઠી રહ્યા છે.