દેશ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે : સીતારામ યેચુરી

15 October, 2019 04:04 PM IST  |  મુંબઈ ડેસ્ક

દેશ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે : સીતારામ યેચુરી

મુંબઈ : (પી.ટી.આઇ.) બીજેપીની આગેવાની હેઠળની એનડીએ સરકારના શાસનમાં નોટબંધી, જીએસટી તેમ જ રાજકારણીઓ તથા બિઝનેસમૅન વચ્ચેની સાઠગાંઠને કારણે દેશ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે એવો આક્ષેપ સીપીઆઇ (એમ)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ કર્યો હતો.
રાજ્યના પાલઘર જિલ્લાના દહાણુમાં સીપીઆઇ (એમ)ના પ્રતિનિધિ વિનોદ નિકોલેની ચૂંટણીપ્રચારની રૅલીમાં સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે ‘દેશ તથા દેશના નાગરિકોને બચાવવા માટે શિવસેના અને બીજેપીને હરાવવાં જરૂરી છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના રિલાયન્સ જિયોને મદદ કરવા માટે સરકારી માલિકીની બીએસએનએલ અને એમટીએનએલને બંધ કરવાનું પગલું ઉઠાવાયું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝના ‘જય હિન્દ’ના નારા સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો નવો નારો છે ‘જિયો હિન્દ’.
દેશમાં બેરોજગારી છેલ્લાં ૫૦ વર્ષની ઉચ્ચતમ સપાટીએ નોંધાઈ હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે ‘હાલની સરકારની સૌથી ખરાબ વાત એ છે કે એ દેશના લોકોને જાતિ, કોમી તણાવ, મૉબ લિન્ચિંગ જેવા મુદ્દાઓ પર વિભાજિત કરી રહી છે. કાશ્મીર મુદ્દો અને આસામમાં એનઆરસીને આનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી શકાય.’

national news