MPમાં રાજકીય સંકટ વચ્ચે કમલનાથ સરકારની આજે ફ્લોર ટેસ્ટ થાય એવી શક્યતા

16 March, 2020 10:49 AM IST  |  New Delhi

MPમાં રાજકીય સંકટ વચ્ચે કમલનાથ સરકારની આજે ફ્લોર ટેસ્ટ થાય એવી શક્યતા

સરકાર બચાવવાની તૈયારી : જયપુરથી ભોપાલમાં આવેલી એક હોટેલમાં જઈ રહેલા કૉન્ગ્રેસના વિધાનસભ્યો. આજે વિધાનસભામાં કમલનાથ સરકારનો વિશ્વાસનો મત લેવામાં આવશે. તસવીર : પી.ટી.આઇ.

મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પર સંકટનાં વાદળ ઘેરાયાં છે. મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને સીએમ કમલનાથને આજે વિધાનસભામાં બહુમત સાબિત કરવાના નિર્દેશ આપ્યા હતા. આ સાથે તેમણે કહ્યું કે એમપીમાં કમલનાથની સરકાર પાસે બહુમત નથી જેથી સરકાર પાસે વિધાનસભા પૂરતા ધારાસભ્યોનું સંખ્યાબળ પણ નથી. તો રાજ્યપાલના આદેશ બાદ કૉન્ગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવાની તૈયારી કરી રહી છે. લાલજી ટંડને સીએમ કમલનાથને પત્ર લખીને જણાવ્યું હતું કે કૉન્ગ્રેસના બાવીસ ધારાસભ્યોએ આપેલાં રાજીનામાં બાદ સરકાર પાસે બહુમતી નથી. વિધાનસભામાં વિભાજનના આધારે વિશ્વાસમત કરવામાં આવશે. આ સાથે વિધાનસભાની કાર્યવાહીનું રેકૉર્ડિંગ પણ કરવામાં આવશે. મહત્ત્વપૂર્ણ છે કે મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપતાં કૉન્ગ્રેસના બાવીસ ધારાસભ્યોએ પણ રાજીનામું આપ્યું છે જેથી મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસની સરકાર પર સંકટનાં વાદળ છવાયાં છે.

મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા પૉલિટિકલ ડ્રામાનો હવે અંત નજીકમાં છે. રાજ્યપાલ લાલજી ટંડને નિર્દેશ કર્યો છે કે આજે સોમવારે વિધાનસભામાં ફલોર ટેસ્ટ યોજવામાં આવશે જેથી કૉન્ગ્રેસના જેટલા પણ ધારાસભ્યો જયપુર રિસૉર્ટમાં રોકાયા હતા તેઓ ભોપાલ ઍરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે. રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથ અને વિધાનસભા અધ્યક્ષને ચિઠ્ઠી મોકલીને બહુમતીનું પરીક્ષણ કરવા માટે કહ્યું સાથે જ ચિઠ્ઠીમાં તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો કે સરકાર પોતાની બહુમત ગુમાવી ચૂકી છે. રાજ્યપાલે બીજેપીના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી ત્યારે તેમણે ફ્લોર ટેસ્ટની માગણી કરી હતી. જોકે કૉન્ગ્રેસે તેના તમામ ધારાસભ્યોને પણ ભોપાલમાં રહેવા આદેશ આપી દીધા છે જેથી જયપુરમાં રોકાયેલા ધારાસભ્યો પણ ભોપાલ પરત આવી જશે.

મધ્ય પ્રદેશના રાજ્યપાલે કમલનાથ સરકારને ફ્લોર ટેસ્ટનું ફરમાન આપતાં ભોપાલમાં સીએમ નિવાસસ્થાને ધારાસભ્યોની બેઠક મળી હતી. કૉન્ગ્રેસના નેતા દિગ્વિજય સિંહ અને શોભા ઓઝા સીએમ કમલનાથના નિવાસસ્થાને પહોંચ્યા હતા. શોભા ઓઝાએ જણાવ્યું હતું કે એમપીમાં કૉન્ગ્રેસની સરકાર પાસે બહુમત છે અને કૉન્ગ્રેસ બહુમતની પરીક્ષામાંથી પસાર થવા માટે તૈયાર છે. બીજેપીએ રવિવારે તેના ધારાસભ્યોને સોમવારે થનારા ફલોર ટેસ્ટમાં સામેલ થવા માટે વ્હિપ પણ ઇશ્યુ કર્યો છે. બળવાખોર ધારાસભ્યોની સુરક્ષાને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બળવાખોર ધારાસભ્યોએ કેન્દ્ર સરકારને સુરક્ષાની માગણી કરી છે. કમલનાથથી ધારાસભ્યોને જોખમ હોવાની રજૂઆત કરવામાં આવી છે. હાલ સિંધિયા સમર્થક બાવીસ ધારાસભ્યો બૅન્ગલોરમાં છે. મુખ્ય પ્રધાન કમલનાથે પણ વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો હતો અને સાથે જ એમાં બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા માગી હતી.

national news madhya pradesh Kamal Nath