૬ કરોડથી વધુ ફૉલોઅર્સ ધરાવતા ૭૩ વર્ષના આ યુટ્યુબ શેફનું અવસાન થયું

02 November, 2019 10:57 AM IST  |  મુંબઈ ડેસ્ક

૬ કરોડથી વધુ ફૉલોઅર્સ ધરાવતા ૭૩ વર્ષના આ યુટ્યુબ શેફનું અવસાન થયું

ભારતના ગામડાંઓમાં ઉંમરલાયક પ્રતિભાઓ પણ એટલી ઠાંસીઠાંસીને ભરી છે કે ન પૂછો વાત. હૈદરાબાદ પાસેના ગામમાં રહેતા નારાયણ શેટ્ટી અવારનવાર તેમની યુનિક રેસિપીઓ પોતાના ખુલ્લા ખેતરમાં ચૂલ્હા પર બનાવતા અને એ અનાથાશ્રમના બાળકોને જમાડતા. તેમની યુટ્યુબ ચૅનલ પર તેઓ ગ્રૅન્ડપા તરીકે જ ઓળખાતા. વિડિયોની શરૂઆતમાં જ તેઓ બોલતાં, ‘હાય એવરીવન.. ધીસ ઇઝ યૉર ગ્રૅન્ડપા....’. આ યુટ્યુબ શેફ પોતાના જ ખેતરમાં ઉગાડેલી ચીજો વાપરીને ભારતીય અને વિદેશી વાનગીઓ બનાવતા. જ્યારે પણ વિડિયો બનાવે ત્યારે મોટાં તપેલાં ભરીને જ ખાવાનું બનાવે અને એ ખાવાનું નજીકના અનાથાશ્રમના બાળકોને પણ ખવડાવે. તેમની રેસિપી બનાવવાની રીત, ખેતરનું બૅકગ્રાઉન્ડ અને બાળકોને ખવડાવવાની પ્ર‌વૃત્તિને કારણે તેમની યુટ્યુબ ચૅનલના ૬ કરોડથી વધુ સબસક્રાઇબર્સ હતા. આવા દાદાએ ગયા અઠવાડિયે છેલ્લા શ્વાસ લીધા. ૭૩ વર્ષની ઉંમરે પણ તેઓ છેક સુધી ચૂલા પર દેશી-વિદેશી વાનગીઓ ચાહકો સાથે વહેંચતા રહ્યા હતા. તેમના મૃત્યુ બાદ યુટ્યુબ ચૅનલે એક પાંચ મિનિટનો ખાસ વિડિયો તૈયાર કર્યો છે અને શ્રદ્ધાંજલિ આપી છે. ફેસબુક પર પણ આ ગ્રૅન્ડપાના સાડા પાંચ લાખથી વધુ ફૉલોઅર્સ છે.

national news youtube