જેએનયુ કૅમ્પસમાં માસ્ક પહેરીને આવેલા બદમાશોનો ભયંકર આતંક

06 January, 2020 12:30 PM IST  |  Mumbai Desk

જેએનયુ કૅમ્પસમાં માસ્ક પહેરીને આવેલા બદમાશોનો ભયંકર આતંક

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ની સ્ટુડન્ટ્સ યુનિયનનાં અધ્યક્ષ આયશી ઘોષ પર ગઈ કાલે કૅમ્પસમાં હુમલો થયો હતો એમાં તે ઘાયલ થઈ હતી. 

આયશીએ કહ્યું હતું કે માસ્ક પહેરીને આવેલા અમુક બદમાશોએ મારા પર હુમલો કર્યો અને મને ખરાબ રીતે માર માર્યો હતો. જેએનયુ કૅમ્પસમાં ગઈ કાલે સાંજે જોરદાર બબાલ અને મારઝૂડ થઈ હ‌તી. સૂત્રોએ જણાવ્યું કે સ્ટુડન્ટ્સ યુનિયન અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) વચ્ચે બબાલ થઈ હતી.
જેએનયુ ટીચર્સ અસોસિએશને એક મીટિંગ બોલાવી હતી જેમાં હોબાળો થયો. વિદ્યાર્થી સંગઠને દાવો કર્યો કે તેમનાં અધ્યક્ષ આયશી ઘોષ અને અન્ય વિદ્યાર્થીઓને એબીવીપીના સભ્યોએ માર્યા છે. પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. બબાલ દરમ્યાનની કેટલીક તસવીરો અને વિડિયો પણ સામે આવ્યાં છે જેમાં વિદ્યાર્થી સંગઠનનાં અધ્યક્ષ લોહીથી લથપથ જોવા મળી રહ્યાં છે. એક તસવીરમાં ટીચર પણ ઘાયલ જોવા મળી.
એક વિડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે હુમલાખોર ચહેરા પર માસ્ક લગાવીને આવ્યા છે. તેમના હાથોમાં દંડા પણ જોવા મળી રહ્યા છે.
લેફ્ટના વિદ્યાર્થી સંગઠને એબીવીપી પર હુમલાનો આરોપ લગાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ફીવધાનારા નિર્ણયની વિરુદ્ધ છેલ્લા બે મહિનાથી જેએનયુના સ્ટુડન્ટ્સ પ્રદર્શન કરી રહ્યા છે.
આયશીએ મીડિયાને જણાવ્યું કે મારા પર ક્રૂરતાપૂર્વક માસ્ક પહેરેલા ગુંડાઓએ હુમલો કર્યો. મારું લોહી વહી રહ્યું છે.
રિપોર્ટ્સ પ્રમાણે લેફ્ટના વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તા અને જેએનયુના ટીચર્સ ફીવધારાના મુદ્દા પર પ્રદર્શન કરી રહ્યા હતા અને આ દરમ્યાન મારઝૂડ થઈ. કહેવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં માસ્ક પહેરીને છોકરાઓ પ્રવેશ્યા અને તેમણે લાકડીથી હુમલો કર્યો. આ દરમ્યાન ટીચર્સ પર હુમલો કરવામાં આવ્યો અને ત્યાં પાર્ક કરેલી કારોને પણ તોડવા-ફોડવામાં આવી. કેટલીક તસવીરમાં છોકરીઓ પણ હાથમાં દંડો અને નકાબ પહેરેલી જોવા મળી રહી છે.

delhi national news jawaharlal nehru university