ચીનથી આવતા વિદેશીઓના વિઝા-નિયમ કડક

06 February, 2020 08:28 PM IST  |  Mumbai Desk

ચીનથી આવતા વિદેશીઓના વિઝા-નિયમ કડક

ભારતે મંગળવારે ચીનના નાગરિકો અને છેલ્લાં બે સપ્તાહમાં ચીન ગયેલા વિદેશીઓના વિઝા રદ કરીને નિયમો કડક બનાવી દીધા છે. બીજી ફેબ્રુઆરીએ ભારતે ચીન યાત્રીઓ અને ચીનમાં રહેતા વિદેશી નાગરિકો માટે ઈ-વિઝાની સુવિધા પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. ચીનમાં કોરોના વાઇરસના કારણે મંગળવારે ૬૫ લોકોનાં મોત થયાં હોવાનો રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. દરેક વુહાન શહેરના હતા. દેશમાં અત્યાર સુધી કુલ ૪૯૦ લોકોનાં મોત થયાં છે.

ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ બુધવારે જણાવ્યું છે કે દેશનાં ૩૧ રાજ્યોમાં ૨૪,૩૨૪ કેસ નોંધાયા છે. મંગળવારે કોરોના વાઇરસ ઇન્ફેક્શનના ૩૮૮૭ કેસ નોંધાયા છે એમાં ૪૩૧ વ્યક્તિની સ્થિતિ ગંભીર છે, જ્યારે ૨૬૨ લોકોને સારું થયા પછી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ચીનમાં સોમવારે ૧૦૦૦ બૅડની મેકશિફ્ટ હૉસ્પિટલ ખોલવામાં આવી છે. અન્ય એક ૧૩૦૦ બૅડની હૉસ્પિટલ બુધવાર સુધીમાં તૈયાર થઈ જશે. બન્ને હૉસ્પિટલોમાં હજારો ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો છે.
હૉન્ગકૉન્ગથી જપાનના યોકોહામા પહોંચેલા પેસેન્જર ક્રૂઝમાં ૧૦ લોકોને કોરોના વાઇરસનું ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું છે. ક્યોદો સમાચાર એજન્સી પ્રમાણે જપાનના સ્વાસ્થ્ય મંત્રી કટસુનોબુ કોટોએ પત્રકારને જણાવ્યું છે કે પેસેન્જર ક્રૂઝ પર જે ૧૦ લોકોમાં કોરોના વાઇરસનું સન્ફેક્શન જોવા મળ્યું છે તેમને હૉસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રીએ દરેક યાત્રીઓને ૧૪ દિવસ સુધી જહાજ પર જ રહેવા કહ્યું છે. જહાજમાં ૩૭૦૦ લોકો ફસાયેલા છે એમાં ૨૬૬૬ મુસાફરો અને ૧૦૪૫ ક્રૂ મેમ્બર્સ છે.

કોરોના વાઇરસ : કેરળમાં ૨૪૦૦થી વધુ લોકો દેખરેખ હેઠળ

કેરળમાં મંગળવારે કોરોના વાઇરસનો નવો કેસ સામે આવ્યો નથી. રાજ્યમાં લગભગ ૨૪૨૧ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગનાં સૂત્રોએ બુધવારે જણાવ્યું કે એમાંથી ૧૦૦ લોકોને અલગ-અલગ હૉસ્પિટલોમાં આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. મંગળવારે ભારતે ચીનના નાગરિકો અને વીતેલાં બે અઠવાડિયાંમાં ચીન ગયેલા વિદેશીઓના વિઝા રદ કરવાના નિયમોને વધારે કડક બનાવી દીધા છે. બે ફેબ્રુઆરીએ ચીનના યાત્રીઓ અને ત્યાંથી ભારત આવનારા વિદેશી નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા પર રોક લગાવવામાં આવી હતી.

બીજિંગની ખાલી સબ-વે ટ્રેનમાં આ વ્યક્તિ માસ્ક પહેરીને અને માસ્કનું બૉક્સ લઈને બેઠો છે. ચીનમાં કોરોના વાઇરસનો ચેપ અત્યાર સુધી ૨૪,૦૦૦ કરતાં વધુ લોકોને લાગ્યો છે. એટલું નહીં, એને કારણે ૫૦૦ જેટલા લોકો મરણ પામ્યા છે. (તસવીર : પી.ટી.આઇ.)

coronavirus china national news international news