અમરનાથ યાત્રા 14 દિવસ વહેલી પૂરી, 3.43 લાખ ભક્તોએ દર્શન કર્યાં

04 August, 2019 11:01 AM IST  |  શ્રીનગર

અમરનાથ યાત્રા 14 દિવસ વહેલી પૂરી, 3.43 લાખ ભક્તોએ દર્શન કર્યાં

અમરનાથ

આતંકી હુમલાના જોખમને જોતાં જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાને અટકાવાઈ છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસન તરફથી શુક્રવારે બહાર પાડવામાં આવેલી ઍડ્વાઇઝરીમાં અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને જેમ બને એમ જલદી કાશ્મીર ઘાટી છોડવાના નિર્દેશ અપાયા છે. આમ તો અમરનાથ યાત્રા ૧૫ ઑગસ્ટ એટલે કે રક્ષાબંધનના રોજ પૂરી થવાની હતી, પરંતુ એને ૧૪ દિવસ પહેલાં જ અટોપી લેવાઈ છે. એક જુલાઈથી શરૂ થયેલી આ અમરનાથ યાત્રા દરમિયાન ૨ ઑગસ્ટ સુધીમાં કુલ ૩.૪૩ લાખ ભક્તોએ દર્શન કર્યાં છે.

શુક્રવારના રોજ પ્રશાસન તરફથી બહાર પાડવામાં આવેલી ઍડ્વાઇઝરી સાથે જ ૭૦૪ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં હતાં. હવે અમરનાથ યાત્રીઓ પ્રશાસનની ઍડ્વાઇઝરી બાદ કાશ્મીર ખીણથી પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા છે.

અત્રે જણાવવાનું કે ભારતીય સુરક્ષાદળોને અમરનાથ યાત્રાના માર્ગ પાસેથી પાકિસ્તાનમાં બનેલી બારૂદી સુરંગ અને અમેરિકી સ્નાઇપર રાઇફલ મળી આવી છે. આ ઉપરાંત દૂરબીન અને આઇઈડીની સાથે જ વિસ્ફોટકોનો એક ગુપ્ત ભંડાર મળ્યો છે. સેનાના ટોચના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે અમરનાથ યાત્રા માર્ગ પર ચલાવવામાં આવેલા વ્યાપક સર્ચ ઑપરેશનમાં ગોળાબારૂદ મળી આવ્યાં છે.

આ પણ વાંચો : જુઓ સ્ટ્રેસ ઘટાડવા માટે ગળે વળગીને મ્યુઝિક વગાડે એવો બૉયફ્રેન્ડ

ચિનાર કોર્પ્સ કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોએ શુક્રવારે એક સંયુક્ત પત્રકાર પરિષદ સંમેલનમાં કહ્યું કે વ્યાપક સર્ચ બાદ પાકિસ્તાનની ફૅક્ટરીમાં બનેલી બારૂદી સુરંગ, ટેલિસ્કોપ સાથે જ એક સ્નાઇપર રાઇફલ, ઇમ્પ્રૂવ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઈડી), આઇઈડી કન્ટેનર, આઇઈડીની સાથે એક રિમોટ કન્ટ્રોલ મળી આવ્યું છે.

srinagar national news