કાશી વિશ્વનાથ મંદિરમાં હવે ખાસ ડ્રેસ-કોડ

14 January, 2020 04:03 PM IST  |  Mumbai Desk

કાશી વિશ્વનાથ મંદિરમાં હવે ખાસ ડ્રેસ-કોડ

ઉત્તર પ્રદેશના જગમશહૂર કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રવેશ અને ગર્ભદ્વારમાં પૂજા કરવા માટે ખાસ ડ્રેસ-કોડ નક્કી કરવામાં આવ્યો હોવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. જે લોકો શિવલિંગની નજીક જઈને દૂધ-જળ વગેરે ચડાવવા માગતાં હોય એવા પુરુષોએ હવે ધોતિયું અને મહિલાઓએ સાડી ફરજિયાત પહરેવી પડશે. પેન્ટ શર્ટ, જિન્સ કે પંજાબી ડ્રેસ જેવા પોષાક પહેરનારા શ્રદ્ધાળુઓને હવે ગર્ભદ્વારમાં જઈને પૂજા કરવાનો અધિકાર નહીં મળે.
આ નિયમ મકરસંક્રાંતિ પછી એટલે કે પંદરમી જાન્યુઆરીથી અમલમાં આવશે. રવિવારે કમિશનરી સભાગારમાં કાશી વિશ્વનાથ મંદિરના સંચાલકો અને કાશી વિદ્વત પરિષદની મળેલી સંયુક્ત બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકના અધ્યક્ષપદે ધર્માર્થ કાર્ય વિભાગના પ્રધાન ડૉક્ટર નીલકંઠ તિવારી બેઠા હતા. ડૉક્ટર તિવારીએ કાશી વિદ્વત પરિષદ સામે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો.
વિદ્વત પરિષદના સભ્યોએ ઉજ્જૈનના મહાકાલ મંદિર, રામેશ્વરમ અને સબરીમાલા મંદિરના દાખલા ટાંક્યા હતા. મહાકાલ મંદિરમાં ભસ્મસ્નાન સમયે સ્પર્શદર્શન કરવા ઇચ્છુક લોકોએ પ્રણાલિગત પોષાક પહેરીને આવવું પડે છે.

national news