શિવશાહીના ડ્રાઇવરે દારૂ પીને બસ હંકારતાં પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાયા

26 July, 2019 11:52 AM IST  |  મુંબઈ | ચૈત્રાલી દેશમુખ

શિવશાહીના ડ્રાઇવરે દારૂ પીને બસ હંકારતાં પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાયા

પુણેથી ઉસ્માનાબાદ જતી રાજ્ય પરિવહન ખાતાની બસના ડ્રાઈવરે દારૂના નશામાં બસ હંકારીને ઉતારુઓના જીવ જોખમમાં મૂક્યા હતા. આ બનાવ બુધવારે રાતે સાડાનવ વાગ્યે શિવાજીનગર બસસ્ટોપ પર બન્યો હતો, જ્યારે એક સિવિલ પોશાક પહેરીને આવેલા ડ્રાઈવરે દારૂ પીને બસનું સ્ટીયરિંગ હાથમાં લીધું હતું. પુણેમાં થોડાં વર્ષ પૂર્વે સંતોષ માને નામના એસટી બસના ડ્રાઇવરે બેદરકારી દાખવીને ૯ જણના જીવ લીધા હતા. અરેરાટી ઊપજાવી દે એવી એ ઘટનાનું પુનરાવર્તન થતાં નસીબજોગે ટળ્યું હતું. ડ્રાઇવરે દારૂના નશામાં બસ ચલાવીને ભીંત સાથે ભટકાડી હતી. પોલીસે ૩૩ વર્ષના ડ્રાઈવર અમોલ વિઠ્ઠલ ચોલેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

પુણેથી ઉસ્માનાબાદ જઈ રહેલી આ બસને બુધવારે રાતે ૧૦ વાગ્યે અકસ્માત નડ્યો હતો. ખાસ વાત તો એ છે કે ડ્રાઇવર અને કન્ડક્ટર બસમાંથી ઊતર્યા હતા અને એ જ સમયે અન્ય એક ડ્રાઇવરે દારૂના નશામાં બસ હંકારી મૂકી હતી. ડ્રાઈવરે બેફામ બનીને બસ હંકારી હતી અને ત્યાર બાદ પુણેના શિમલા ચોકની દીવાલ સાથે અફળાઈ હતી. દરમ્યાન બસમાં બેસેલા પ્રવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. નસીબજોગે પ્રવાસ કરી રહેલા ઉતારુઓમાંથી કોઈને ઈજા નહોતી થઈ. બસ હંકારી રહેલો ડ્રાઇવર એસટીનો જ હોવાથી તેણે દારૂ પીને બસ ચલાવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. એસટી પ્રશાસન આ સંદર્ભે વધુ તપાસ કરી રહ્યું છે.

mumbai news pune news Crime News