ઇંદિરા-રાજીવની હત્યા પછી પણ સોનિયા-રાહુલે દેશની સેવા કરી: શરદ પવાર

26 December, 2018 01:39 PM IST  |  New Delhi

ઇંદિરા-રાજીવની હત્યા પછી પણ સોનિયા-રાહુલે દેશની સેવા કરી: શરદ પવાર

શરદ પવાર (ફાઇલ ફોટો)

શરદ પવારે મંગળવારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની જબરદસ્ત પ્રશંસા કરી. તેમણે કહ્યું કે લોકોને ગર્વ થવો જોઈએ કે ઇંદિરા અને રાજીવ ગાંધીની હત્યા થવા છતાંપણ લોકોએ ગરીબોની સેવા ચાલુ રાખી. પવારે 1999માં કોંગ્રેસથી અલગ થઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી બનાવી હતી.

પવારે કહ્યું, "દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ બ્રિટિશ શાસન દરમિયાન ઘણા વર્ષો જેલમાં કાઢ્યા. જ્યારે ઇંદિરા સત્તામાં આવ્યા તો તેમણે ગરીબોની સુરક્ષા માટે કામ કર્યું. તેમના પરિવારે ઘણી કુરબાનીઓ આપી. ઇંદિરા અને રાજીવની હત્યા કરી દેવામાં આવી. તે છતાંપણ તેમણે દેશસેવા કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પરિવાર દ્વારા દેશ બરબાદ થયાની વાતો કરે છે."

પવારે સતારામાં આયોજિત થયેલી એક સભામાં મોદી પર પણ જબરદસ્ત હુમલો કર્યો. તેમણે કહ્યું કે ગુજરાતમાં મોદીના મુખ્યમંત્રીકાળમાં જ્યારે નિર્દોષ લોકોને મારવામાં આવી રહ્યા હતા ત્યારે તેમણે કશું ન કર્યું. તેમણે કહ્યું કે મોદીએ ગુજરાતમાં દંગાઓ કરાવી દીધા.

પવારે તાજેતરમાં જ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે 22 આરોપીઓ (મોટાભાગના પોલીસવાળાઓ)ને છોડી મૂકવા અંગે પણ સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું, "આ કેવા પ્રકારનો દેશ છે? શું આને કાયદાનું રાજ્ય કહી શકાય? શું દેશમાં લોકોના હિતોની રક્ષા થઈ રહી છે? દેશમાં તાકાત ફક્ત કેટલાક લોકોના હાથમાં રહી ગઈ છે."

શરદ પવારે મોદી પર નિશાન સાધતા કહ્યું કે છેલ્લા સાડા ચાર વર્ષોથી સત્તામાં રહીને તેમને ક્યારેય રામનું નામ યાદ નથી આવ્યું. આ ચાર વર્ષોમાં વિકાસનું સપનું બતાવનારા મોદીએ કશું નથી કર્યું. દેશનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. ગઈ ચૂંટણીમાં મતદાતાઓએ બીજેપીને શ્રેષ્ઠ મોકો આપ્યો. હવે લોકોને સમજાયું છે કે તેઓ રામમંદિરના નામે રાજનીતિ કરે છે.

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ વિશે પવારે કહ્યું કે તેમને નથી લાગતું કે મરાઠા આરક્ષણ કોર્ટમાં ટકશે.

sharad pawar rahul gandhi sonia gandhi