રામ મંદિર અને અનામત મામલે શિવસેનાના મોદી સરકાર પર પ્રહાર

13 January, 2019 04:09 PM IST  | 

રામ મંદિર અને અનામત મામલે શિવસેનાના મોદી સરકાર પર પ્રહાર

ઉદ્ધવ ઠાકરેના ફરી એકવાર ભાજપ પર પ્રહાર

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફરી એકવાર ભાજપ પર પ્રહાર કર્યા છે. ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરથી લઈને હનુમાનજીની જાતિના જુદા જુદા મુદ્દાઓને લઈ ભાજપ પર પ્રહાર કર્યા હતા. એમણે પ્રશ્નો કર્યા છે કે હનુમાનજીની જાતિ પર ચર્ચા કેમ કરવામાં આવી રહ્યાં છે ? ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, અન્ય કોઈ ધર્મો અને જાતિ પર ચર્ચા કરે છે તો હોબાળો મચી જાય છે પરંતુ હનુમાનજીની જાતિ પર ચર્ચા થઈ રહી છે જે દુઃખની વાત છે.

રામ મંદિર મામલે ઉદ્ધવ ઠાકરેએ ભાજપને આડે હાથ લીધું. તેમણે કહ્યું હતું કે, 'એ લોકો કહે છે કે જ્યારે રામ મંદિરનો પ્રશ્ન ચાલે ત્યારે કોંગ્રેસ વચ્ચે આવે છે. લોકોએ કોંગ્રેસને સજા આપતા ભાજપને બહુમત આપી હતી પરંતુ રામ મંદિર તો હજુ પણ નથી બન્યું'


આર્થિક અનામત બિલને લઈને પ્રશ્નો

સવર્ણ આરક્ષણ બિલ મામલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, 'જો ખરેખર આર્થિક રૂપથી ગરીબ લોકોની મદદ કરવા ઈચ્છતી હોય તો સરકાર પ્રતિ વર્ષ 8 લાખથી ઓછી આવક ધરાવનાર લોકોને ટેક્સ સ્લેબમાં કેમ છૂટ નથી આપતી ?. ભાજપે અનામત આપી છે પરંતુ શું અનામત લાગુ કરવાની વાસ્તવિક રીતનો વિચાર કર્યો છે?

15 લાખ ખાતામાં આવશે તે માત્ર જુમલો

ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું કે, '15 લાખ ખાતામાં આવશે એક જુમલો જ હતો અને હવે રામ મંદિર પણ એક જુમલો છે. જ્યારે હું અયોધ્યા ગયો હતો ત્યારે લોકોએ કહ્યું હતું કે બાલા સાહેબનો પુત્ર આવ્યો છે, આ તો રામ મંદિર બનાવીને જ જશે. અને જો તમે આ મુદ્દાને પણ જુમલો બનાવશો તો લોકો તમારી પર કઈ રીતે ભરોસો કરશે?