સવર્ણોને 10% અનામત પર હાલ રોક નહીં, SCએ કેન્દ્રને આપી નોટિસ

25 January, 2019 12:57 PM IST  |  નવી દિલ્હી

સવર્ણોને 10% અનામત પર હાલ રોક નહીં, SCએ કેન્દ્રને આપી નોટિસ

ફાઇલ

સામાન્ય વર્ગ માટે આર્થિક આધાર પર 10 ટકા અનામતને રદ કરવાની જનહિતની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી છે. કોર્ટે તેના પર તાત્કાલિક રોક લગાવવાની ના પાડી દીધી છે અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

કોર્ટમાં બંધારણીય ફેરફારોને મળેલા પડકારો પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને સંજીવ ખન્નાની બેંચમાં સુનાવણી થઈ. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેંચે રોક લગાવવાની ના પાડીને કહ્યું કે તેના પર અમે વિચાર કરીશું. આ મામલાને લઈને મદ્રાસ હાઇકોર્ટમાં પહેલેથી અરજી દાખલ કરવામાં આવી હતી.

સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકો માટે 10 ટકા અનામત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી બિઝનેસમેન તહસીન પૂનાવાલા તરફથી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બંધારણીય સુધારાથી અનામત અંગે ઇંદિરા સાહની કેસમાં સુપ્રીમ કોર્ટના 1992ના નિર્ણયનું ઉલ્લંઘન થાય છે. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ નિર્ણયમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે અનામત માટે પછાતપણાને ફક્ત આર્થિક આધાર પર વ્યાખ્યાયિત કરી શકાય નહીં.

આ પણ વાંચો: મોદી સરકારનો વધુ એક માસ્ટર સ્ટ્રોક, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ મળશે અનામત

પૂનાવાલાએ અરજીમાં કહ્યું છે કે બંધારણ બેંચે અનામતની મહત્તમ મર્યાદા 50 ટકા નક્કી કરી હતી અને આર્થિક આધાર પર અનામતની જોગવાઈ આ મર્યાદાને ઓળંગે છે. અરજીમાં આ નવા કાયદા પર રોક લગાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

national news