SCએ મેઘાલય સરકારને પૂછ્યું- ફસાયેલા મજૂરોને બચાવવા માટે શું કર્યું

03 January, 2019 05:13 PM IST  |  શિલોંગ, મેઘાલય

SCએ મેઘાલય સરકારને પૂછ્યું- ફસાયેલા મજૂરોને બચાવવા માટે શું કર્યું

13 ડિસેમ્બરથી કોલસાની ખાણમાં 15 મજૂરો ફસાયેલા છે.


સુપ્રીમ કોર્ટે મેઘાલય સરકારને પૂછ્યું છે કે તેમણે તે 15 ખાણિયા મજૂરોને બચાવવા માટે શું પગલાં ભર્યાં છે? 13 ડિસેમ્બરથી મેઘાલયના પૂર્વી જયંતિયા હિલ્સ વિસ્તારમાં પૂરથી ઘેરાયેલી એક ગેરકાયદે કોલસાની ખાણમાં આ મજૂરો ફસાયેલા છે. જવાબમાં મેઘાલય સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, "રાજ્ય સરકાર ફસાયેલા ખાણિયાઓને બચાવવા માટે પગલા ભરી રહી છે. એનડીઆરએફના 72, ભારતીય નૌસેનાના 14 તથા કોલ ઇન્ડિયાના કર્મચારીઓ 14 ડિસેમ્બરથી તેના માટે કામ કરી રહ્યા છે." ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો કે તોપણ તેઓ સફળ કેમ નથી થયા?

ઉલ્લેખનીય છે કે મેઘાલયના પૂર્વી જયંતિયા હિલ્સ જિલ્લાના લુમથારી ગામમાં આવેલી કોલસાની ખાણમાં ફસાયેલા 15 મજૂરો માટે બચાવ અભિયાન ચાલુ છે. ખાણમાં પાણી ભરાઈ જવાને કારણે 13 ડિસેમ્બરથી મજૂરો ફસાયા છે. 370 ફૂટ ઊંડી ખાણમાંથી પાણી કાઢવા માટે કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ અને કોલ ઇન્ડિયાએ સંયુક્ત રીતે 18 પંપોની વ્યવસ્થા કરી છે.

ગેરકાયદે ખાણમાં પ્રવેશ કરનારા ખાણિયાઓની ટીમના એક જીવતા સભ્યએ કહ્યું કે 22 લોકો આ ઉંદરના દર જેટલી નાની ખાણમાં ઘૂસી ગયા હતા. તેમાં મુશ્કેલીથી એક માણસ પ્રવેશી શકે છે. આસામના ચિરાંગ જિલ્લાના સાહિબ અલીએ દાવો કર્યો કે તે એ પાંચ લોકોમાંથી એક છે જે પાસેની એક નદીમાંથી પાણી આવે તેની બરાબર પહેલા ખાણમાંથી બહાર આવામાં સફળ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઘટનાની સૂચના મળતાં જ કોલસા ખાણના માલિક જરીન ઉર્ફ કૃપ ચુલેટની નરવન ગામ પાસેથી ધરપકડ કરવામાં આવી. પોલીસે જણાવ્યું કે તેઓ ગેરકાયદે કોલસા ખાણના મેનેજર સહિત અન્ય લોકોની શોધ કરી રહ્યા છે.

meghalaya