ગણતંત્ર દિવસ પરેડ: જાણો ક્યારે, ક્યાંથી અને કેવી રીતે બુક થશે ટિકિટ?

23 January, 2019 03:31 PM IST  | 

ગણતંત્ર દિવસ પરેડ: જાણો ક્યારે, ક્યાંથી અને કેવી રીતે બુક થશે ટિકિટ?

ગણતંત્ર દિવસે થતી પરેડની ઝલક

ગણતંત્ર દિવસ પ્રત્યેક ભારતીય માટે મહત્ત્વનો હોય છે. આ દિવસે 1950માં દેશમાં પોતાનું બંધારણ લાગુ કરાયું હતું. રાજધાની દિલ્હી માટે આ દિવસનું એક જુદું જ મહત્ત્વ છે. આ દિવસે રાજપથ પર જુદા જુદા ભવ્ય ટેબ્લો નીકળે છે અને દેશ વિદેશથી હજારો મહેમાનો આ ટેબ્લોને જોવા માટે આવે છે. ટીવી પર પરેડ જોઈ જોઈને ક્યારેક તમને પણ દેશભક્તિના અને સંસ્કૃતિના આ માહોલમાં પહોંચવાની ઈચ્છા થઈ હશે. ત્યારે જાણીએ કે કેવી રીતે પરેડમાં પહોંચી શકાય છે.

26મી જાન્યુઆરીના દિવસે દેશની સૈન્ય શક્તિ, કલા તેમજ સંસ્કૃતિનું પણ પ્રદર્શન થાય છે. ગણતંત્ર દિવસ એક એવો અવસર છે જ્યારે પ્રત્યેક ભારતીય એ વાત પર ગર્વ કરતો હોય છે કે તે ભારતીય છે. ગણતંત્ર દિવસની પરેડ રાયસીના હિલ્સ એટલે કે રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થાય છે અને રાજપથ પર ઈન્ડિયા ગેટ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપતા લાલ કિલ્લા સુધી જાય છે.

કેટલાય અન્ય લોકોની જેમ તમે પણ આ ગણતંત્ર દિવસે પરેડ જોવા ઈચ્છતા. એમાં સૌથી મોટી સમસ્યા ટિકિટ અને પાસને લઈને થતી હોય છે. જો તમે પણ આ સમસ્યા અનુભવો છો તો ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. અહીં તમારી આ મુશ્કેલીનું સમાધાન લઈ આવ્યા છીએ. આને તમે ગણતંત્ર દિવસ પરેડ માટે પૂરેપૂરી ગાઈડ પણ કહી શકાય છે.

ક્યારે શરૂ થશે પરેડ ?

26 જાન્યુઆરીના સવારે 9 વાગ્યે ધ્વજવંદન પછી લગભગ 9.30 વાગ્યે શરૂ થશે. જેમાં દેશના પ્રત્યેક ભાગની ઝલક તમને જોવા મળશે. આ સિવાય દેશની સૈન્ય શક્તિ અને ટેક્નિકલ કુશળતા પણ તમને રાજપથ પર પ્રદર્શિત થતી જોવા મળશે. ગણતંત્ર દિવસની પરેડ પહેલા 23 જાન્યુઆરીના ફૂલ ડ્રેસ રિહર્સલ પણ થાય છે.

કેવી રીતે શરૂ થશે પરેડ ?

સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજપથ પર પહોંચશે. ઘોડા પર સવાર તેમના બૉડીગાર્ડ તેમની આગળ અને પાછળ ચાલશે. રાષ્ટ્રપતિ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે અને બન્ને ઈન્ડિયા ગેટ પર આવેલ અમર જવાન જ્યોતિ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સાથે જ 21 તોપોની સલામી આપવામાં આવશે અને પરેડ શરૂ થઈ જશે.

ત્રણે સેનાઓ (વાયુ સેના, નેવી અને આર્મી) સહિત પેરામિલિટ્રી ફોર્સ પરેડ દરમિયાન પોત-પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. એમાં સૌથી વધારે વાયુ સેનાના ફાઈટર જેટ અને હેલિકૉપ્ટરોની કલાબાજી જોઈ શકાતી હોય છે. વિવિધ રાજ્યોની ટેબ્લો પોત-પોતાના રાજ્યની સંસ્કૃતિની ઝલક બતાવશે. આ ટેબ્લો દેશની વિવિધતા દર્શાવે છે અને આ વિવિધતામાં એકતાને દર્શાવે છે આ આખી પરેડ.

ટિકીટ ક્યાંથી ખરીદશો ?

ગણતંત્ર દિવસ પરેડમાં જવા માટે તૈયાર છો તો હવે પ્રશ્ન એ છે કે ટિકીટ ક્યાંથી લેવી? જો તમે ટિકીટ ખરીદવા ઈચ્છો છો તો હવે તમારી પાસે માત્ર ત્રણ દિવસ જ છે. 7 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ગણતંત્ર દિવસ પરેડની ટિકીટો સમગ્ર દેશના જુદા જુદા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ પર મળે છે.

ટિકીટ કાઉન્ટર તેના કાર્યક્રમ મુજબ દરરોજ ખુલ્લા છે. સવારે 10 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી તમે ટિકીટની ખરીદી કરી શકો છો. આ સિવાય આપેલા કાઉન્ટર બપોરે 2 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી પણ ટિકીટની ખરીદી કરી શકાય છે. જો કે આજે એટલે કે 23થી 25 જાન્યુારી સુધી શાસ્ત્રી ભવન, જંતર મંતર, જામનગર હાઉસ અને સૈન્ય ભવન પર ટિકીટ બારી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

ટિકીટ પર કેટલો કરવો પડશે ખર્ચ?

ગણતંત્ર દિવસ આપણા સૌ માટે ગૌરવ અને દેશના સન્માનની વાત છે. એવામાં કિંમત કેટલી પણ હોય ઓછી જ હશે. છતાં જો તમે રિઝર્વ સીટ લેવા માગતા હોવ તો, તેની માટે તમારે 500 રૂપિયાની ટિકીટની ખરીદી કરવી પડશે અને રિઝર્વેશન વગરની સીટ માટે 120 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

ઑનલાઈન ટિકીટ કઈ રીતે લેવી?

અહીં તમારે સચેત થવાની જરૂર છે, કારણ કે ગણતંત્ર દિવસ પરેડ માટે ટિકીટ ઑનલાઈન અવેલેબલ જ નથી. આ ટિકીટો માત્ર ઉપર જણાવેલ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ પરથી જ ખરીદી શકાશે. જો કોઈ તમને ઑનલાઈન ટિકીટ વેચવાનો પ્રયત્ન કરે છે, તો તે ફ્રોડ છે અને તમને દગો આપી રહ્યો છે. તમે તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરાવી શકો છો.

આ તો સહેજ પણ ન ભૂલવું

ટિકીટ ખરીદી લીધી છે તો હવે તૈયારી કરો 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસ પરેડ જોવાની. આ માટે તમારે સવારે 6-7 વાગ્યે પરેડ સ્થળે પહોંચવું પડશે. પોતાની સાથે પોતાનો આધાર કાર્ડ, વોટર કાર્ડ કે બીજું સરકારી I'D proof લઈ જવાનું ભૂલવું નહીં. જો તમે તમારી ઓળખના કોઈ સરકારી દસ્તાવેજ નહીં લઈ જાઓ તો ટિકીટ ઉપર કરેલ તમારો ખર્ચ વ્યર્થ જશે. અને ટિકીટ લઈ જવાનું તો તમે એમ પણ નહીં જ ભૂલો.

આ પણ વાંચો : રશિયા અને ઈરાન સાથેના સોદાને કારણે ડોનલ્ડ ટ્રમ્પે કર્યો પ્રજાસત્તાક દિને આવવાના આમંત્રણનો અસ્વીકાર

આ તો નહીં જ લઈ જવું

પરેડ જોવાની પૂરી તૈયારી કરી લીધી છે, તો ત્યાં જતાં પહેલા આ ધ્યાનથી વાંચો. પરેડ જોવા માટે તમે તમારી સાથે કોઈ પેન, ટ્રાંઝિસ્ટર, રેડિયો, પાણીની બોટલ, ખાવા-પીવાની વસ્તુઓ, હેન્ડ બેગ, જ્વલનશીલ પદાર્થ, વિસ્ફોટક, કેમેરા, મોબાઈલ વગેરે લઈ જઈ શકાશે નહીં. સારું રહેશે જો તમે તમારા ખિસ્સામાં માત્ર રૂપિયા અને ઓળખપત્ર લઈને જાઓ, જેથી કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. પરેડ સ્થળે પ્રતિબંધ કરાયેલી વસ્તુઓને રાખવા માટેની જગ્યાની કોઈ જ વ્યવસ્થા નથી.

republic day narendra modi ram nath kovind