૨૫ દેશોના પ્રતિનિધિઓની કાશ્મીર મુલાકાત

13 February, 2020 04:25 PM IST  |  Mumbai

૨૫ દેશોના પ્રતિનિધિઓની કાશ્મીર મુલાકાત

ભારત સરકારે કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવવાની ઘટનાને ગઈ કાલે ૬ મહિના પૂરા થયા એ દરમ્યાન ૨૫ દેશોના રાજદૂતોએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. શ્રીનગરના દલ લૅકની શિકારા બોટમાં સવાર થયેલા વિવિધ દેશોના રાજદૂત. (તસવીર : પી.ટી.આઇ.)

શ્રીનગર ઃ (જી.એન.એસ.) જર્મની, કૅનેડા, ફ્રાન્સ અને અફઘાનિસ્તાન સહિત ૨૫ દેશોના ડેલિગેટ્સ બુધવારે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે. તેઓ અહીં અનુચ્છેદ-૩૭૦ હટાવાયાના ૬ મહિના બાદ સ્થિતિની સમીક્ષા કરવા માટે આવ્યા છે. ગયા મહિને અમેરિકન રાજદૂતના નેતૃત્વમાં ૧૫ ડેલિગેટ્સે કાશ્મીરની મુલાકાત લીધી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે યુરોપિયન યુનિયન સાથે ખાડી દેશોના ડેલિગેટ્સ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રતિનિધિમંડળ શ્રીનગર પહોંચ્યા પહેલાં ઉત્તર કાશ્મીરમાં ફળ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે. ત્યાં તેઓ મીડિયા, સામાજિક સમૂહો અને જમ્મુ-કાશ્મીરના રાજનેતાઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન ભારતીય સેના પ્રતિનિધિમંડળને ઘાટીમાં સુરક્ષાની સ્થિતિ વિશે જણાવશે સાથે જ નવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાકિસ્તાન કેવી રીતે આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે એના વિશે પણ જણાવવામાં આવશે. ડેલિગેટ્સની નવી બેન્ચમાં પોલૅન્ડ, બુલ્ગારિયા અને ચેક ગણરાજ્યના યુરોપિયન સંઘના પ્રતિનિધિ પણ સામેલ છે.

ગયા વખતની મુલાકાતમાં યુરોપિયન પ્રતિનિધિમંડળે કાશ્મીરની મુલાકાતે જવા માટે ઇનકાર કરી દીધો હતો. તેમના કહ્યા પ્રમાણે તે ‘ગાઇડેડ ટૂર’ના પક્ષમાં નથી અને તેઓ પછી ત્યાં જશે જેના કારણે ગયા વખતની મુલાકાતમાં અમેરિકન રાજદૂત કેનેથ જસ્ટર સહિત બંગલા દેશ, વિયતનામ, નોર્વે, માલદીવ, દક્ષિણ કોરિયા, મોરક્કો, નાઇઝિરિયા અને અન્ય દેશોના ડેલિગેટ્સ કાશ્મીર ગયા હતા. ઈયુના ડેલિગેટ્સે કહ્યું હતું કે તે પોતાની મરજીથી પસંદ કરેલા નેતાઓને મળવા માગે છે એટલા માટે તે પછી કાશ્મીર જશે.

international news kashmir