કાંદાના ઊંચા ભાવથી મળશે રાહત, 790 ટન આયાતી જથ્થો ભારત આવી પહોંચ્યો

24 December, 2019 01:32 PM IST  |  New Delhi

કાંદાના ઊંચા ભાવથી મળશે રાહત, 790 ટન આયાતી જથ્થો ભારત આવી પહોંચ્યો

ડુંગળીનું માર્કેટ

(જી.એન.એસ.) કાંદાના ભાવવધારાથી પરેશાન લોકો માટે એક ખુશખબર છે. સરકાર દ્વારા આયાત કરવામાં આવેલો કાંદાનો પ્રથમ જથ્થો ભારતીય બજારમાં આવી ગયો છે અને ટૂંક સમયમાં ભાવ ઘટવાની અપેક્ષા રાખવામાં આવી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે આયાત કાંદાનો ૭૯૦ ટનનો પ્રથમ જથ્થો ભારતમાં આવી પહોંચ્યો છે અને તેમાંથી કેટલોક માલ દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં મોકલાયો છે. આ રાજ્યોને બંદર સુધીનો પડતર ખર્ચ ૫૭થી ૬૦ રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવે કાંદાનો જથ્થો મોકલાયો છે. આ જથ્થો બજારમાં આવ્યા બાદ કાંદાના ભાવ ઘટવાની સંભાવના છે.

સરકારી અધિકારીએ જણાવ્યું કે વધુ ૧૨,૦૦૦ ટન કાંદાનો જથ્થો ડિસેમ્બરના અંત સુધી ભારત આવી પહોંચવાની અપેક્ષા છે. જાહેર ક્ષેત્રની એમએમટીસી કંપનીએ અત્યાર સુધી ૪૯,૫૦૦ ટન કાંદાના આયાત કરાર કર્યા છે. હાલ દેશનાં અગ્રણી શહેરોમાં કાંદાનો છૂટક ભાવ પ્રતિ કિગ્રા ૧૦૦ રૂપિયા બોલાઈ રહ્યો છે. અલબત્ત કેટલાક વિસ્તારોમાં તો કાંદાનો ભાવ ૧૬૦ રૂપિયા પ્રતિ કિગ્રાના સ્તરે પહોંચી ગયો હતો.

અધિકારીએ કહ્યું કે ૨૯૦ ટન અને ૫૦૦ ટન કાંદાના બે કન્સાઇન્મેન્ટ મુંબઈ આવી ગયા છે. અમે રાજ્ય સરકારોને આ જથ્થો બંદરે ૫૭થી ૬૦ પ્રતિ કિગ્રાની આયાત પડતરના ભાવે આપી રહ્યા છે. આંધ્ર પ્રદેશ અને દિલ્હીની સરકારોએ કાંદાની માગણી કરી હતી અને તેમણે આયાત કાંદાનો જથ્થો ઉપાડવાનું શરૂ કરી દીધું છે.

national news