ગુર્જર આંદોલનકારીઓએ ચોથા દિવસે કર્યો આગ્રા નેશનલ હાઇવે જામ

11 February, 2019 03:28 PM IST  |  જયપુર

ગુર્જર આંદોલનકારીઓએ ચોથા દિવસે કર્યો આગ્રા નેશનલ હાઇવે જામ

ત્રીજા દિવસે પણ ધોલપુરમાં આંદોલન હિંસક બન્યું હતું.


રાજસ્થાનમાં 5% અનામતની માંગ કરી રહેલા ગુર્જર સમાજે આંદોલનના ચોથા દિવસે સિકંદરા પાસે આગ્રા નેશનલ હાઈવે જામ કરી દીધો. તેની અસર બસ અને ટ્રેનસેવા પર પણ પડી છે. મલારના ડુંગરની પાસે આંદોલનકારી રેલવે ટ્રેક પર બેઠેલા છે. બીજી બાજુ ધૌલપુરમાં કલમ 144 હજુ પણ લાગુ છે. અહીંયા રવિવારે આંદોલનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ફાયરિંગ પણ કર્યું હતું. તેમાં 12થી વધુ લોકો ઘાયલ થઈ ગયા હતા. આંદોલનથી સૌથી વધુ પ્રભાવિત ભરતપુર અને અજમેર વિભાગ છે.

ઉત્તરપ્રદેશથી આવનારી રોડવેઝની બસોને અટકાવી દેવામાં આવી છે. કેટલીક બસો ફક્ત દૌસા સુધી પહોંચી શકી છે. સિંધી કેમ્પમાં 12 બસોને અટકાવવામાં આવી છે. ધૌલપુરની પાસે ભૂતેશ્વર પુલ પર ગુર્જર સમાજના લોકોએ બાડી-બસેડી માર્ગ જામ કરી દીધો. જોકે, અધિકારીઓએ આંદોનલકારીઓને સમજાવીને જામ ખોલાવડાવ્યો. 5 ટ્રેનો પણ રદ કરવી પડી છે. તેમાં હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ (13 ફેબ્રુઆરી), અમૃતસર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (12-14 ફેબ્રુઆરી), અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ (13-15 ફેબ્રુઆરી), ફિરોઝપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ (12,13,14,15 ફેબ્રુઆરી) અને જમ્મુ-તાવી એક્સપ્રેસ (13 ફેબ્રુઆરી) રદ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: ગુર્જર આંદોલન બન્યું હિંસક, પોલીસના વાહનો સળગાવ્યા, કલમ 144 લાગુ

એડમિનિસ્ટ્રેશને ભરતપુર, કરૌલી, સવાઈ માધોપુર, દૌસા અને ટોંકમાં સુરક્ષા વધારી દીધી છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશથી વધારાનું સુરક્ષાદળ મંગાવવામાં આવ્યું છે. 8 જિલ્લાઓમાં રાજસ્થાન સશસ્ત્ર દળની 17 કંપનીઓ તહેનાત કરવામાં આવી. રેલવે સ્ટેશન અને ટ્રેકની પણ સુરક્ષા કરવામાં આવી રહી છે.

rajasthan jaipur