ઉત્તર પ્રદેશમાં વરસાદી આફતઃ ૨૪ કલાકમાં ૧૩ લોકોનાં મોત

28 September, 2019 10:35 AM IST  |  લખનઉ

ઉત્તર પ્રદેશમાં વરસાદી આફતઃ ૨૪ કલાકમાં ૧૩ લોકોનાં મોત

પ્રતીકાત્મક તસવીર

લખનઊ : (જી.એન.એસ.) ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના પગલે જનજીવન ઠપ થઈ ચૂક્યું હતું અને આજે શુક્રવારે સતત બીજા દિવસે સ્કૂલો બંધ રહી હતી. 

બુધવારે રાત્રે શરૂ થયેલો વરસાદ ગુરુવારે આખો દિવસ ચાલુ રહ્યો હતો અને શુક્રવારે સવારે પણ વરસાદ પડી રહ્યો હતો. ઠેકઠેકાણે પાણી ભરાયાં હતાં. પ્રાદેશિક હવામાન કચેરીના વડા જે. પી. ગુપ્તાએ તો હજી બીજા બે ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી હતી. આ દરમ્યાન ૨૪ કલાકમાં વિવિધ દુર્ઘટનામાં ૧૩ લોકોનાં મોત થયાં હતાં.
ઉત્તર પ્રદેશના પાટનગર લખનઊ અને અન્ય જિલ્લામાં થોડો-થોડો વરસાદ થઈ રહ્યો છે. તેનાથી ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. અવધ વિસ્તારમાં ૭ લોકોનાં મોત થયાં છે. જ્યારે મહોબામાં ૩, ભદોહીમાં ૨ અને વારાણસીમાં મકાન પડી જવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
જિલ્લા વહીવટી તંત્રે શનિવાર સુધી સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરી હતી. ચંદૌલીમાં નિયમતાબાદના બરોલી ગામમાં શુક્રવારે એક ઝૂંપડી ધસી પડતાં ત્રણ વ્યક્તિ મરણ પામી હોવાના અહેવાલ હતા. એક તરફ ભારે વરસાદ હતો, બીજી બાજુ વીઆઇપી વિસ્તારોથી શરૂ કરીને ગરીબોની ઝૂંપડપટ્ટી સુધી ઠેર-ઠેર વીજળી ગુમ હતી એટલે અંધારપટ હતો. સડકો પર ઠેર-ઠેર પાણી ભરાયાં હોવાથી ટ્રાફિક જૅમ સર્જાયો હતો.
નગર નિગમોએ સબ સલામતની કરેલી જાહેરાત બોગસ સાબિત થઈ હતી. લખનઉના ઘણા વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. ઘરવખરી પાણીમય થઈ ગઈ હતી. બહાર નીકળવાના કોઈ માર્ગ રહ્યા નહોતા. બે મજલાથી ઊંચાં મકાનો પર તો લોકો ધાબા પર ચડી ગયા હતા. ભવાનીગંજ, સઆદતગંજ અને રાજાજીપુરમ જેવા વિસ્તારોમાં તો રીતસર સરોવરો છલકાતાં હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. રેલવે સ્ટેશન પર પાર્સલ વિભાગમાં પાણી ભરાતાં અનેક પાર્સલને ભારે નુકસાન થયું હતું.
શહેરના કમલા માર્કેટ, કાંશીરામ કૉલોની અને માયાપુરી કૉલોની જેવા વિસ્તારોમાં પણ બબ્બે ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયાં હતાં.

lucknow national news