પીયૂષ ગોયલના નિવેદન પર રાહુલ ગાંધીનો પલટવાર

21 October, 2019 11:42 AM IST  |  નવી દિલ્હી

પીયૂષ ગોયલના નિવેદન પર રાહુલ ગાંધીનો પલટવાર

કૉન્ગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બાદ રવિવારે પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ પર નિશાન સાધ્યું છે. ગોયલે નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજિત બેનરજીને વામપંથી વિચારધારા તરફ વલણ રાખનારા ગણાવ્યા હતા. આ વિશે રાહુલે કહ્યું કે આ મોટા લોકો નફરતમાં આંધળા થઈ ગયા છે. આ લોકોને ખબર નથી કે પ્રોફેશનલિઝમ શું હોય છે?

નોબેલ વિજેતા બેનરજીએ શનિવારે એક ટીવી-ચૅનલને કહ્યું કે વાણિજ્ય તથા ઉદ્યોગ પ્રધાન ગોયલ મારા પ્રોફેશનલિઝમ વિશે સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યાર બાદ રાહુલે ટ્‌વીટ કરીને કહ્યું કે તમે દાયકાઓ સુધી તેમને સમજાવવાનો પ્રયાસ કરો, પણ પ્રોફેશનલ હોવું શું છે, એ વાત આ લોકો નહીં સમજી શકે. રાહુલે બેનરજીને સંબોધતાં કહ્યું કે તમે ચિંતા ન કરશો, લાખો ભારતીયોને તમારા કામ પર ગર્વ છે. પીયૂષ ગોયલે શુક્રવારે કહ્યું હતું કે અભિજિત બેનરજી કૉન્ગ્રેસની ન્યાય યોજનાનું સમર્થન કરે છે, જેમને ભારતીય મતદાતાઓએ લોકસભા ચૂંટણીમાં સ્વીકાર કર્યો ન હતો. એવામાં તેઓ શું વિચારે છે? તેને સ્વીકારવાની જરૂર નથી.

rahul gandhi piyush goyal national news