બિન-ગાંધી પરિવારમાંથી પાર્ટી અધ્યક્ષ પસંદ કરો : રાહુલ ગાંધી

27 June, 2019 12:37 PM IST  | 

બિન-ગાંધી પરિવારમાંથી પાર્ટી અધ્યક્ષ પસંદ કરો : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

લાંબા સમયથી કૉન્ગ્રેસ અધ્યક્ષપદને લઈને ચાલી રહેલી ચર્ચાઓની વચ્ચે રાહુલ ગાંધીએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ જવાબદારી નહીં સંભાળે. યુપીએનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં બુધવારે કૉન્ગ્રેસની લોકસભા સાંસદોની બેઠક યોજાઈ. આ બેઠકમાં કૉન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં કૉન્ગ્રેસના ૫૧ સાંસદોએ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું પરત લેવા માટે વિનંતી કરી. સૂત્રો મુજબ, રાહુલે આવું કરવાનો ઇનકાર કરી દીધો છે. રાહુલ ગાંધીએ પાર્ટી સાંસદોને સ્પષ્ટ કહી દીધું છે કે હવે તેઓ કૉન્ગ્રેસ અધ્યક્ષ તરીકે નથી રહેવા માગતા. પાર્ટીને તેમનું રિપ્લેસમેન્ટ ટૂંક સમયમાં શોધવું પડશે.

મૂળ રાહુલ ગાંધીએ નવા અધ્યક્ષ શોધવા માટે કૉન્ગ્રેસને એક મહિનાનો સમય આપ્યો છે. આ દરમ્યાન તેઓ અધ્યક્ષ તરીકે રહેશે. આ એક મહિનાની અવધિ થોડા દિવસમાં જ પૂરી થઈ જશે. કૉન્ગ્રેસે નવા અધ્યક્ષ માટે અનેક નામો પર વિચાર કર્યો, પરંતુ કોઈ નામ ફાઇનલ નથી થઈ રહ્યું. સોનિયા ગાંધી-પ્રિયંકા ગાંધી નથી ઈચ્છતાં કે રાહુલ ગાંધી પાર્ટીનું અધ્યક્ષપદ છોડે, જેથી પાર્ટીના સિનિયર નેતા સતત રાહુલને સમજાવવાના પ્રયાસમાં છે, પરંતુ રાહુલ ગાંધી પોતાનો નિર્ણય બદલવા તૈયાર નથી.

લોકસભા ચૂંટણીમાં કારમી હાર મળતા રાહુલ ગાંધી કૉન્ગ્રેસ અધ્યક્ષપદ પરથી રાજીનામું આપવા માટે અડગ રહ્યા છે. આની પહેલાં પણ કૉન્ગ્રેસની બેઠકોમાં તેઓ રાજીનામાંની વાત કરી ચૂકયા છે. કૉન્ગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પણ રાહુલ ગાંધીએ પદ છોડવાની વાત કરી હતી. જેને કાર્યસમિતિએ નકારી દીધી હતી. આ બેઠકમાં રાહુલ પોતાની વાત પર અડગ રહ્યા હતા. બાદમાં કૉન્ગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે તમારો વિકલ્પ નથી.

આ પણ વાંચો : પક્ષી સાથે ટકરાતા વાયુસેના જેગુઆરનું ઇમરજન્સી લેન્ડિંગ, કોઇ જાનહાની નહી

કાર્યસમિતિના સભ્યોએ રાહુલ ગાંધીને કહ્યું કે આવા મુશ્કેલ સમયમાં પાર્ટીને તેમના માર્ગદર્શનની જરૂર છે, આ દૃષ્ટિથી તેઓ પાર્ટી અધ્યક્ષપદ પર બની રહે. આ બેઠકમાં રાહુલે કહ્યું કે તેમની જગ્યાએ પ્રિયંકા ગાંધીના નામનો પણ પ્રસ્તાવ કરવામાં ન આવે. સાથોસાથ કોઈ બિન કૉન્ગ્રેસીને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવે. પરંતુ કાર્યસમિતિએ રાહુલની વાત માની નહી. કૉન્ગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધીને હવે એ અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ પાર્ટીમાં જેવી રીતે ઇચ્છે તેવા સંગઠનાત્મક ફેરફાર કરી શકે છે.

rahul gandhi national news