યુવાન સિંધિયા પર ભારે પડ્યા કમલનાથ, રાહુલે આ કારણે દર્શાવ્યો ભરોસો

26 December, 2018 12:49 PM IST  | 

યુવાન સિંધિયા પર ભારે પડ્યા કમલનાથ, રાહુલે આ કારણે દર્શાવ્યો ભરોસો

જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ. (ફાઇલ)

બે દિવસના મંથન પછી આખરે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ ગયું છે. અનુભવી કમલનાથ મધ્યપ્રદેશ અને અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી બંનેના નામો પર મહોર લાગી ચૂકી છે અને હવે ફક્ત ઔપચારિક જાહેરાત થવાની બાકી છે.

કમલનાથનું નામ ઘણા વખતથી મુખ્યમંત્રીની રેસમાં આગળ ચાલી રહ્યું હતું, પરંતુ યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા તેમને ટક્કર આપી રહ્યા હતા. જોકે રાહુલ ગાંધીએ યુવાશક્તિના બદલે અનુભવને વધુ મહત્વ આપ્યું છે.

કમલનાથ જ હતા પહેલી પસંદ

કમલનાથ મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે. છેલ્લા ઘણા સમયથી તેઓ રાજ્યમાં કોંગ્રેસની જીત માટે પિચ તૈયાર કરી રહ્યા હતા. 15 વર્ષ પછી કોંગ્રેસનો વનવાસ કમલનાથની આગેવાનીમાં જ ખતમ થઈ શક્યો છે. જોકે MPમાં કોંગ્રેસ બહુમતથી બે સીટ દૂર રહી પરંતુ સપા-બસપાએ આ ચિંતાને પણ દૂર કરી દીધી.

કેમ ખાસ છે કમલનાથ?

શિવરાજ સિંહ ચૌહાણથી વિપરીત કમલનાથને એક સમૃદ્ધ રાજનેતા તરીકે જોવામાં આવી રહ્યા છે. કમલનાથનો જન્મ કાનપુરમાં થયો છે અને તે કોલકાતામાં ઉછર્યા છે. કમલનાથ પહેલીવાલ 1980માં લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 1985, 1989, 1991 સુધી સતત લોકસભા ચૂંટણી જીતતા રહ્યા.

છિંદવાડા લોકસભાથી 9 વખત સાંસદ રહી ચૂકેલા કમલનાથે રાજ્યમાં કોંગ્રેસની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે છેલ્લા ઘણા દાયકાઓથી રાજ્યમાં ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યા છે અને અહીંયા તેમની પાસે મજબૂત જનાધાર પણ છે.

પાછળ પડી ગયા સિંધિયા

સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની રેસમાં હતા. સિંધિયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીક રહ્યા છે, જેનો ફાયદો તેમને મળતો દેખાઈ રહ્યો હતો. જોકે, અનુભવની ઉણપ હોવી એ સિંધિયાની વિરુદ્ધ જતું જોવા મળ્યું. મહારાજના નામથી પ્રખ્યાત જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશની સરખામણીએ દિલ્હીમાં વધુ કામ કર્યું છે. કદાચ આ જ કારણ છે કે રાહુલે મુખ્યમંત્રી તરીકે તેમને પસંદ નથી કર્યા. સ્પષ્ટ છે કે રાહુલની નજર હવે 2019 પર છે અને તેઓ કમલનાથના અનુભવનો ફાયદો મેળવવા માંગે છે.

madhya pradesh rahul gandhi