રાફેલ ડીલ પર સરકારની આગેકૂચ, ફ્રાંસ સરકારને 25 ટકા રકમ ચૂકવાઈ

28 December, 2018 11:53 AM IST  | 

રાફેલ ડીલ પર સરકારની આગેકૂચ, ફ્રાંસ સરકારને 25 ટકા રકમ ચૂકવાઈ

વિવાદ વચ્ચે સરકારે ચૂકવી 25 ટકા રકમ

રાફેલ ડીલ પર દેશમાં વિપક્ષે હોબાળો મચાવ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. જો કે મોદી સરકાર આ મામલે આગળ વધી રહી છે. વિવાદો અને કૌભાંડના આક્ષેપ બાદ કેન્દ્ર સરકારે 36 ફાઈટર જેટ માટે 25 ટકા રકમ ચૂકવી દીધી છે. આ ડીલ લગભગ 59 હજાર કરોડ રૂપિયાની મનાઈ રહી છે.

મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર 2016ની ડીલ પ્રમાણે વાયુસેનાને 36 રાફેલ વિમાન મળશે. ડીલના નિયમ મુજબ ચોથા ભાગની રકમ ફ્રાંસ સરકારને ચૂકવાઈ છે. કેન્દ્ર સરકાર સપ્ટેમ્બર 2019 પહેલા વાયુસેનાને પહેલું ફાઈટર જેટ મળી જાય તેવું ઈચ્છી રહી છે. બાદમાં 2020ના મધ્ય ભાગ સુધી ભારતને બીજા ચાર રાફેલ વિમાન મળશે.

સુપ્રીમ કોર્ટે ફગાવી છે અરજી

વિપક્ષના આરોપો બાદ આખો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલની તપાસની માગ કરતી તમામ અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે રાફેલ ડીલની પ્રક્રિયામાં સંકાને સ્થાન નથી.

બેઠકોના દોર બાદ સરકારે લીધો હતો નિર્ણય

કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું કે વિમાન ખરીદવાના નિર્ણય માટે 74 જેટલી બેઠક કરાઈ હતી. 126 રાફેલ ડીલ ખરીદવા માટે યુપીએ સરકારે જાન્યુઆરી 2012માં ફ્રાંસની દસોલ્ટ એવિએશનની પસંદગી કરી હતી. પરંતુ દસોલ્ટ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ વચ્ચે સહમતી ન સધાતા આ ડીલ આગળ ન વધી શકી.

 

national news