મુંબઈ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેનની પ્રતિકૃતિએ આકર્ષણ જમાવ્યું

26 December, 2018 06:49 PM IST  | 

મુંબઈ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેનની પ્રતિકૃતિએ આકર્ષણ જમાવ્યું

બુલેટ ટ્રેન જેવી ટોય ટ્રેન


દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ-પ્રોજેક્ટ એવી બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે ત્યારે દોડશે, પરંતુ ગઈ કાલે અમદાવાદમાં શરૂ થયેલા કાંકરિયા કાર્નિવલમાં દેશની પ્રથમ બુલેટ ટૉય-ટ્રેન દોડી હતી. મુંબઈ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેનની પ્રતિકૃતિ સમાન બુલેટ ટૉય-ટ્રેને કાંકરિયા કાર્નિવલમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

બુલેટ ટૉય-ટ્રેનના ઓનર હિતેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેક ઇન ઇન્ડિયાના ભાગરૂપે આ ટ્રેન અમદાવાદમાં બનાવી છે. ટેક્નૉલૉજી બ્રિટનની છે. હાલમાં આ બુલેટ ટૉય- ટ્રેનમાં એક એન્જિન અને એક કોચ છે. ૪૫ દિવસમાં અમે આ ટ્રેન બનાવી છે. ૭૦ લાખ રૂપિયાનો એક કોચ બન્યો છે જેમાં ૩૬ પૅસેન્જરની કૅપેસિટી છે. ફુલ્લી એસી ટ્રેન છે.

 

મ્યુઝિક-સિસ્ટમ પણ મૂકવામાં આવી છે. ટ્રેનના કોચમાં કુશન-બેઠક છે. નીચે કાર્પેટ છે. ઇમર્જન્સી બેલ અને એક્ઝિટ પણ આ ટ્રેનમાં બનાવ્યાં છે. સહેલાણીઓ આ ટ્રેનમાં બેસે ત્યારે તેઓ બુલેટ ટ્રેનમાં બેઠા હોય એવો અહેસાસ થવાથી એ રીતે સફર માણી શકશે.’