આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રાજને રજૂ કર્યું ભયાવહ ચિત્ર

01 May, 2020 04:52 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રાજને રજૂ કર્યું ભયાવહ ચિત્ર

ભારતીય રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર, રઘુરામ રાજને ગઈ કાલે આ મુજબનું એક ચિત્ર લોકો સમક્ષ રજૂ કરીને સરકારને સલાહ આપતાં કહ્યું હતું

કોરોના સંકટને કારણે ભારતમાં આશરે ૧૦ કરોડથી વધુ લોકો બેકાર બનશે. પાંચ કરોડ લોકોની તો રોજગારી જ છીનવાઈ જશે. આશરે ૬ કરોડ લોકો શ્રમબજારમાંથી બહાર થઈ જશે. તમે સર્વે પર પ્રશ્નો ઊભા કરી શકો છો, પરંતુ અમારી પાસે આ જ આંકડા છે અને આ આંકડાઓ ખૂબ વ્યાપક છે. આનાથી આપણને એવું વિચારવું જોઈએ કે આપણે માપી-માપીને અર્થતંત્ર ખોલવું જોઈએ, પરંતુ શક્ય એટલું ઝડપી જેથી લોકોને રોજગાર મળવાનું શરૂ થાય. ભારત પાસે તમામ વર્ગોને મદદ કરવાની ક્ષમતા નથી. આપણે પ્રમાણમાં ગરીબ દેશ છે, લોકો પાસે વધારે બચત નથી.

જાણીતા અર્થશાસ્ત્રી અને ભારતીય રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર, રઘુરામ રાજને ગઈ કાલે આ મુજબનું એક ચિત્ર લોકો સમક્ષ રજૂ કરીને સરકારને સલાહ આપતાં કહ્યું હતું કે ‘હાલમાં કોરોનાને કારણે દેશમાં લૉકડાઉન છે, પરંતુ લૉકડાઉન (બંધ) કાયમ માટે ચાલુ રાખી શકાતું નથી. હવે આર્થિક પ્રવૃત્તિઓ ખોલવાની જરૂર છે જેથી લોકો પોતાનું કામકાજ ફરી શરૂ કરી શકે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે આ પગલું સાવધાનીપૂર્વક લેવું જોઈએ. વિડિયો કૉન્ફરન્સ દ્વારા કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ભારત એક ગરીબ દેશ છે અને સંસાધનોની અછત છે.

આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નરે એમ પણ કહ્યું કે ‘લૉકડાઉનમાં આપણે લાંબા સમય સુધી લોકોને ઘરે બેસાડીને ખવડાવી શકીએ નહીં. કોવિડ-19 સાથેના વ્યવહાર માટે ભારત જે પણ પગલાં લેશે એની બજેટની મર્યાદા છે. જોકે જ્યારે ગાંધીએ રાજનને ખેડૂતો અને સ્થળાંતર કામદારોની સમસ્યા અંગે સવાલ કર્યા ત્યારે રાજને કહ્યું કે આ એ વિસ્તાર છે જ્યાં આપણે આપણો સીધો લાભ સ્થાનાંતરણ યોજનાનો લાભ લેવો જોઈએ. આપણે આ સિસ્ટમનો ઉપયોગ ખેડૂતો અને મજૂરોને મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે કરવો જોઈએ.
આ અંગેના ખર્ચ વિશે તેમણે કહ્યું હતું કે કોવિડ-19 કટોકટી દરમિયાન દેશના ગરીબોની સહાય માટે ૬૫,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડશે. ભારત એનું સંચાલન કરી શકશે, કારણ કે આપણી અર્થવ્યવસ્થા ૨૦૦ લાખ કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું, ‘જો આપણે ગરીબોના જીવન બચાવવા માટે આટલો ખર્ચ કરવાની જરૂર હોય તો આપણે કરવો જોઈએ.’

national news reserve bank of india