લખનઉ: પ્રિયંકા ગાંધીએ કર્યો 14 કિમી લાંબો રોડ શૉ, 5 કલાક સુધી ચાલ્યો

11 February, 2019 07:40 PM IST  |  લખનઉ

લખનઉ: પ્રિયંકા ગાંધીએ કર્યો 14 કિમી લાંબો રોડ શૉ, 5 કલાક સુધી ચાલ્યો

પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ કર્યો રોડ શૉ

કોંગ્રેસ મહાસચિવ બન્યા પછી પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે પહેલીવાર ઉત્તરપ્રદેશના ચાર દિવસીય પ્રવાસ માટે લખનઉ પહોંચ્યા. અહીંયા એરપોર્ટ પરથી ઉતરતાની સાથે જ તેમનો રોડ શૉ શરૂ થયો. 14 કિલોમીટર લાંબો આ રોડ શૉ 5 કલાક પછી ખતમ થયો. પ્રિયંકાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પશ્ચિમી ઉત્તરપ્રદેશના ઇન્ચાર્જ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. પહેલા કહેવામાં આવેલું કે પ્રિયંકા ચાર દિવસ સુધી લખનઉમાં રોકાશે અને પાર્ટીસંબંધી કાર્યો કરશે. પરંતુ તે પછી મળતી માહિતી પ્રમાણે, તેઓ આજે સાંજે જયપુર માટે રવાના થશે. ઇડી મંગળવારે જયપુરમાં તેમના પતિ રોબર્ટ વાડ્રા અને સાસુ મોરીન વાડ્રાની પૂછપરછ કરશે. પ્રિયંકા મંગળવારે સવારે જ લખનઉ પાછા ફરશે.

રાહુલ ગાંધીએ રોડ શૉ દરમિયાન એક સંક્ષિપ્ત ભાષણ કર્યું. આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓ પાસે 'ચોકીદાર ચોર હૈ'ના નારા લગાવડાવ્યા. તેમણે કહ્યું, 'દેશના ચોકીદારે ઉત્તરપ્રદેશ અને બાકી રાજ્યોના પૈસા ચોરી કર્યા, વાયુસેના પાસેથી પૈસા ચોરી કર્યા છે.' રાહુલ અંગ્રેજી છાપાનો ઉલ્લેખ કરીને કહ્યું, 'કાલનું તે અખબાર વાંચો. તેમાં લખ્યું છે કે ભ્રષ્ટાચારનો ક્લૉઝ મોદીએ હટાવ્યો અને અનિલ અંબાણીને ફાયદો પહોંચાડ્યો. હવે મેં પ્રિયંકા અને સિંધિયાજીને અહીંયા મહાસચિવ બનાવ્યા છે. મેં તેમને કહ્યું છે કે ઉત્તરપ્રદેશમાં જે વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે, તેના વિરુદ્ધ લડવાનું છે અને ન્યાયવાળી સરકાર લાવવાની છે. લોકસભા તેમનું લક્ષ્ય ચોક્કસ છે પરંતુ તેમને વિધાનસભામાં પણ કોંગ્રેસની સરકાર બનાવવાની છે. જ્યાં સુધી કોંગ્રેસની સરકાર નહીં બને ત્યાં સુધી સિંધિયાજી, પ્રિયંકા અને હું લડીશું. અમે બેકફૂટ પર નથી રમવાના.'

રોડ શૉ દરમિયાન રાહુલના હાથમાં રાફેલનું ડમી જોવા મળ્યું. તેને જોઈને હાજર કાર્યકર્તાઓએ 'ચોકીદાર ચોર હૈ'ના નારા પણ લગાવડાવ્યા. કેટલાક કાર્યકર્તા શરીર પર 'ચોકીદાર ચોર હૈ લખાવીને આવ્યા હતા.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીની ટ્વિટર પર એન્ટ્રી, સૌથી પહેલા આમને કર્યા ફૉલો

હુસૈનગંજ પાસે વીજળીના તારોમાં કોંગ્રેસનો રથ ફસાઇ ગયો. તેના કારણે થોડીવાર માટે રોડ શૉ અટકાવવામાં આવ્યો. ત્યારબાદ રાહુલ અને પ્રિયંકા બસમાંથી ઉતરીને જીપમાં બેઠા અને રોડ શૉ ફરીથી શરૂ થયો. બંને નેતાઓએ હજરતગંજ ચાર રસ્તા પર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર માળા અર્પણ કરી.

priyanka gandhi rahul gandhi lucknow