જય શ્રીરામઃ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના

06 February, 2020 08:16 PM IST  |  Mumbai Desk

જય શ્રીરામઃ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના

લોકસભાના બજેટ સેશન દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (તસવીર : પી.ટી.આઇ.)

અયોધ્યામાં વિવાદી જગ્યાએ જ શ્રીરામ મંદિર બનાવવા સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક આદેશના પગલે મોદી સરકારે આજે કૅબિનેટમાં મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચનાને મંજૂરી આપી છે. જેમાં ૧૫ સભ્યો હશે. ૧૫ સભ્યો પૈકી એક દલિત સમાજમાંથી હશે. ટ્રસ્ટને ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર’ એવું નામ આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટ બનાવવા આપેલી ૩ મહિનાની સમયમર્યાદા પૂર્ણ થવાના ૪ દિવસ પહેલાં નિર્ણય કર્યો છે. જોકે યોગાનયોગ હાલમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ પણ ચાલી રહી હોવાથી આચારસંહિતા ભંગનો મામલો ઉપસ્થિત થયો હતો, પરંતુ ચૂટણી પંચે એવો અભિપ્રાય આપ્યો કે તેમાં આચારસંહિતાનો કોઈ ભંગ થતો નથી. આમ અયોધ્યામાં વિવાદી સ્થળે જ ભવ્ય અને દિવ્ય રામમંદિર બનાવવાની નક્કર કામગીરી તરફ કેન્દ્ર સરકારે એક ડગલું ભર્યું છે. દિલ્હી વિધાનસભા માટે ૮મીએ મતદાન થવાનું છે. એટલે મતદાનના ૩ દિવસ પહેલાં પીએમ મોદીની આ મહત્ત્વની જાહેરાતે રાજકીય પક્ષોનું ધ્યાન પણ ખેંચ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧ જાન્યુ.ના રોજથી શરૂ થયેલા બજેટ સત્રના કામકાજના આજે પાંચમા દિવસે સંસદના લોકસભા સદનમાં કહ્યું કે ‘મને આજે આ ગૃહને, દેશને જણાવતા ખુશી થઈ રહી છે કે આજે કૅબિનેટની બેઠકમાં સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખતા ઘણા મહત્ત્વના નિર્ણય લેવાયા છે. રામમંદિર નિર્માણ માટે એક યોજના તૈયાર કરવામાં આવી છે. સરકારે શ્રીરામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ રચનાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં રામજન્મભૂમિ પર મંદિર નિર્માણ બનાવવા માટે જવાબદાર હશે. અમે પાંચ એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને આપવાની અપીલ કરી હતી, જેને ઉત્તર પ્રદેશ સરકારે સ્વીકારી લીધી છે.’

પીએમ મોદીએ કહ્યું કે હું અહીં મારા દિલની નજીકના એક મામલા અંગે વાત કરવા માટે આવ્યો છું જે અયોધ્યામાં રામમંદિર નિર્માણ વિશે છે. ૯ નવેમ્બરે, જ્યાં હું કરતારપુર કૉરિડોર માટે પંજાબમાં હતો ત્યારે મેં રામમંદિર અંગે ઐતિહાસિક નિર્ણય સાંભળ્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે ૬૭.૩ એકર જમીન શ્રીરામ જન્મભૂમિ તીર્થસ્થળને આપવામાં આવશે. જ્યારે સુપ્રીમ કોર્ટના તત્કાલીન સીજેઆઇ રંજન ગોગોઇની બેન્ચે, બેન્ચના ચીફ જસ્ટિસની નિવૃત્તિના ગણતરીના દિવસો પહેલાં ગયા વર્ષે ૯ નવેમ્બરે અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટની રચનાની વાત કહેવામાં આવી હતી. આ ટ્રસ્ટ રામમંદિરનું નિર્માણ કરશે. સુપ્રીમ કોર્ટે તેમના આદેશમાં મંદિર અંગે એક યોજના બનાવવાનો આદેશ પણ આપ્યો હતો. કેન્દ્ર આજે જ આ યોજના તૈયાર કરીને ટ્રસ્ટને સોંપશે. ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન દિલ્હીમાં થશે. એમ મનાય છે કે ટ્રસ્ટમાં હિન્દુ ધર્મના ચારેય મઠના શંકરાચાર્યોને પણ સામેલ કરવાની યોજના છે, તો અખાડાના મહંત અને કેન્દ્ર-રાજ્ય સરકારના પ્રતિનિધિ પણ હશે.

ram mandir narendra modi national news