વડા પ્રધાન મોદી ભારતમાં કરતારપુર કૉરિડોરનું ઉદ્ઘાટન કરશે

21 October, 2019 11:27 AM IST  |  નવી દિલ્હી/ઇસ્લામાબાદ

વડા પ્રધાન મોદી ભારતમાં કરતારપુર કૉરિડોરનું ઉદ્ઘાટન કરશે

પાકિસ્તાનમાં કરતારપુર કૉરિડોરનું ઉદ્ઘાટન ૯ નવેમ્બરે થશે એમ પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ કરતારપુર સાહિબ જશે તો મુખ્ય અતિથિ તરીકે નહીં પરંતુ એક સામાન્ય શ્રદ્ધાળુ તરીકે જશે.

બીજી બાજુ થોડા દિવસ પહેલાં કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે ટ્‌વીટ કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૮ નવેમ્બરે ભારતમાં કરતારપુરૉકોરિડોરનું ઉદ્ઘાટન કરશે. ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહ મુખ્ય અતિથિ તરીકે નહીં, સામાન્ય શ્રદ્ધાળુ તરીકે દર્શન કરવા જાય એવી શક્યતા
પાકિસ્તાને અગાઉ કરતારપુર કૉરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને આમંત્રણ આપ્યું હતું. આ અંગે ભારત સરકારે કહ્યું હતું કે આમંત્રણ વિશે મનમોહન સિંહે જ નિર્ણય લેવાનો છે.
મનમોહન સિંહની ઓફિસના સ્ટાફે કહ્યું હતું કે તેમને હજી કોઈ આમંત્રણ મળ્યું નથી અને આમંત્રણ મળશે તો પણ મનમોહન સિંહ નહીં જાય. મનમોહન સિંહનો જન્મ ગાહ ગામમાં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે.
મનમોહન સિંહ ૧૦ વર્ષ વડા પ્રધાન હતા, છતાં પાકિસ્તાન ગયા નહોતા. ગયા વર્ષે ઇમરાન ખાને વડાપ્રધાન પદના શપથ લીધા પછી ભારતીયો માટે કરતારપુર કૉરિડોર ખોલવાની વાત કરી હતી. કરતારપુર સાહિબ ગુરુદ્વારા પાકિસ્તાનના નરવાલ જિલ્લામાં ભારતના ગુરુદાસપુરથી થોડાક જ કિલોમીટર દૂર છે.
તાજેતરમાં પંજાબ સરકારના પ્રધાન સુખજિંદર રંધાવાએ કહ્યું કે જે લોકો પાકિસ્તાન જઈને કરતારપુર સાહિબનાં દર્શન કરવા માગતા હોય તેમણે એક મહિના પહેલાં ઑનલાઇન અરજી કરવાની રહેશે. આનલાઇન વ્યવસ્થા માટે એકાદ-બે દિવસમાં વેબસાઈટ શરૂ કરાશે. કોઈ કારણથી અરજી રદ થઈ જાય તો તે લોકો ચાર દિવસ પછી ફરીથી અરજી કરી શકશે.

national news