રાહુલ-પ્રિયંકાને મેરઠ જતાં પોલીસે અટકાવ્યાં, દિલ્હી પાછાં ફર્યાં

25 December, 2019 10:24 AM IST  |  Mumbai Desk

રાહુલ-પ્રિયંકાને મેરઠ જતાં પોલીસે અટકાવ્યાં, દિલ્હી પાછાં ફર્યાં

નાગરિકતા સુધારણા કાયદા વિરુદ્ધ થઈ રહેલાં વિરોધ-પ્રદર્શનોમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરવા માટે મેરઠ જઈ રહેલાં કૉન્ગ્રેસી નેતા રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને પોલીસે શહેરમાં પ્રવેશતાં પહેલાં જ અટકાવી દીધાં છે. કૉન્ગ્રેસ નેતાઓએ પોલીસને કહ્યું કે તેઓ ફક્ત ત્રણ જણ જ પીડિત પરિવારને મળવા માટે જશે. તેમ છતાં પણ પોલીસે તેમને શહેરમાં પ્રવેશવા દેવાની પરવાનગી આપી નહીં. 

પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મેરઠની બહાર પરતાપુરથી જ અટકાવી દીધાં હતાં. પોલીસે તેમને કહ્યું કે તમે બે દિવસ પછી આવજો. પોલીસના કહેવાથી તેઓ દિલ્હી જવા માટે પરત ફરી ગયાં છે. આ અંગે જણાવતાં રાહુલ ગાંધીએ કહ્યું કે ‘અમે પોલીસને કહ્યું કે અમને મેરઠ નહીં જવા દેવાના તમારી પાસે કોઈ ઑર્ડર છે? પરંતુ તેઓએ અમને મેરઠ નહીં જવા દેવા માટેનો ઑર્ડર બતાવવાની જગ્યાએ અમને દિલ્હી જતા રહેવા માટે કહ્યું.’
કૉન્ગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રવિવારે ઉત્તર પ્રદેશના બિજનૌર ખાતે પહોંચ્યાં હતાં. ત્યાં તેમણે નવા નાગરિકતા સુધારણા કાયદા પર થયેલી હિંસામાં મરણ પામેલી બે વ્યક્તિઓના પરિવારો સાથે મુલાકાત કરી હતી.

rahul gandhi priyanka gandhi national news delhi