પાક.ને વધુ એક ઝટકો,FATFના ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય

22 February, 2019 03:20 PM IST  | 

પાક.ને વધુ એક ઝટકો,FATFના ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન

પુલવામા આતંકી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાપાત્ર બનેલા પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગ્યો છે. પેરિસમાં યોજાયેલી ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે પાકિસ્તાન હજી પણ ગ્રે લિસ્ટમાં જ સામેલ રહેશે. એટલે કે હાફિઝ સઈદના આતંકી સંગઠના જમાત ઉદ દાવા પર પ્રતિબંધ મૂક્યા બાદ પાકિસ્તાન આ લિસ્ટમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ FATFએ તેને ગ્રે લિસ્ટમાં યથાવત્ રાખ્યુ છે.

જો કે FATF પાકિસ્તાનના રેટિંગને જૂન અને ઓક્ટોબરમાં રિવ્યુ કરશે. FATFએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે તેઓ આતંકવાદ વિરુદ્ધ પગલાં લેવાની ટાઈમલાઈન ન ચૂકે, નહીં તો તેણે ગંભીર પરિણામ ભોગવવા પડશે. જો કે ભારત તરફથી પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકાવવા કોશિશ થઈ હતી, પરંતુ ભારતને તેમાં સફળતા નથી મળી.

FATF તરફથી પાકિસ્તાનને સલાહ પણ અપાઈ છે કે જેટલો સમય મળ્યો છે, તે જ સમયમાં ટાર્ગેટ પૂરા કરો. ઉલ્લેખનીય છે કે FATF એ સંસ્થા છે, જે આતંકવાદ વિરુદ્ધ લડી રહેલા દેશોને આર્થિક મદદ આપે છે. FATF દ્વારા અપાતા રેટિંગની અસર, વર્લ્ડ બેન્ક, IMF સહિતની સંસ્થાઓ પર પણ પડે છે. આ સંસ્થાઓ રેટિંગ પ્રમાણે જ લોન આપે છે. એટલે જ ભારત પાકિસ્તાનને FATFમાં બ્લેક લિસ્ટ કરાવવા પ્રયાસ કરી રહ્યું હતું.

આ પણ વાંચોઃ ભારતથી ડર્યું પાકિસ્તાન, સીમા પર હલચલ તેજ, હૉસ્પિટલોને તૈયાર રહેવા આદેશ

જો કે પાકિસ્તાને આ બેઠક પહેલા જ કેટલાક આતંકી સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો. મોસ્ટવોન્ટેડ આતંકી હાફિઝ સઈદના જમાત ઉદ દાવા અને ફલાહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશન સહિતના સંગઠનો પર પ્રતિબંધ મૂકાયો હતો. પાકિસ્તાનના આ પગલાં દ્વારા ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરતું હતું. પરંતુ આવું ન થયું.

pakistan national news imran khan