કરતારપુર કોરિડોર માટે પાકિસ્તાને મૂક્યો નિયમ અને શરતોનો પ્રસ્તાવ

29 December, 2018 03:39 PM IST  |  નવી દિલ્હી

કરતારપુર કોરિડોર માટે પાકિસ્તાને મૂક્યો નિયમ અને શરતોનો પ્રસ્તાવ

કરતારપુર કોરિડોર માટે પાકિસ્તાન પીએમએ રજૂ કર્યા નિયમો. (ફાઇલ)

કરતારપુર કોરિડોર માટે પાકિસ્તાન સરકારે ભારતની સામે નિયમો અને શરતોથી ભરેલો પ્રસ્તાવ મોકલ્યો છે. આ શરતો હેઠળ પરમિટ વગર કોઈપણ શ્રદ્ધાળુને પ્રવેશ માટે પરવાનગી નહીં મળે. પાસપોર્ટ અનિવાર્ય હશે અને એક દિવસમાં ફક્ત 500 શ્રદ્ધાળુઓને જ પ્રવેશ આપવામાં આવશે. સાથે જ આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે ભારતને ત્રણ દિવસ પહેલા યાત્રીઓ અંગે જાણકારી આપવી જરૂરી રહેશે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના કરતારપુર સ્થિત દરબાર સાહિબને ભારતના ગુરદાસપુર સ્થિત ડેરા બાબા નાનક ગુરૂદ્વારા સાથે જોડવા માટે ભારત-પાકિસ્તાનના સંયુક્ત સહયોગથી કરતારપુર કોરિડોરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મોદી સરકારની કેબિનેટે કરતારપુર કોરિડોર બનાવવાની મંજૂરી પહેલા જ આપી દીધી હતી. જે પછી પાકિસ્તાન સરકારે પણ કરતારપુર સાહિબ સુધી જનારા કોરિડોરનો પાયો નાખ્યો. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુરૂનાનક દેવજીએ કરતારપુર સાહિબમાં 18 વર્ષ વીતાવ્યા હતા. કરતારપુર સાહિબ ભારતીય સરહદથી થોડાંક કિલોમીટર અંદર પાકિસ્તાનમાં આવેલું છે. તે શીખોના પવિત્ર ધાર્મિક સ્થળોમાંથી એક છે. અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

pakistan imran khan