પીએમસી બૅન્ક : ૨૫૦૦ કરોડની લોનને લીધે રિઝર્વ બૅન્કે પગલાં ભર્યાં

28 September, 2019 03:39 PM IST  |  મુંબઈ | ચેતના યેરુણકર

પીએમસી બૅન્ક : ૨૫૦૦ કરોડની લોનને લીધે રિઝર્વ બૅન્કે પગલાં ભર્યાં

રિઝર્વ બૅન્કે જારી કરેલી ગાઇડલાઇન્સ બાબતે પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્કના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર ડૉયથોમસે ગઈ કાલે પત્રકારોને માહિતી આપી હતી. તસવીર: આશિષ રાજે

મુંબઈ : પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ (પીએમસી) બૅન્કના ખાતાધારકોએ ક્યારેય વિચાર્યું પણ ન હોય એવા ભય હેઠળ જીવી રહ્યા છે ત્યારે હાલમાં સસ્પેન્ડ કરાયેલા બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટર જૉય થોમસે ગઈ કાલે મીડિયા સમક્ષ સ્વીકાર કર્યો હતો કે હાલમાં જે પરિસ્થિતિ પ્રવર્તે છે એ પીએમસીને જ કારણે છે. બૅન્કના અધિકારીઓએ છેલ્લાં ૭ વર્ષથી બિનવર્ગીકૃત કરાયેલી ૨૫૦૦ કરોડ રૂપિયાની લોનને નિયમિત કરવા માટે ૧૯ સપ્ટેમ્બરે રિઝર્વ બૅન્ક સમક્ષ રજૂઆત કરી હતી એને પગલે રિઝર્વ બૅન્કે પીએમસી બૅન્કને પ્રતિબંધ હેઠળ મૂકીને બૅન્કના બોર્ડને સસ્પેન્ડ કરી ઍડ્નિનિસ્ટ્રેટર મૂક્યું.

પ્રશ્ન એ છે કે પીએમસીએ લોન ડિફૉલ્ટ કોઈ ચોક્કસ હેતુથી છુપાવ્યું કે તેઓ ખોટું બોલી રહ્યા છે. જોકે પત્રકાર-પરિષદમાં જૉય થોમસે કહ્યું કે જો તેઓ ડિફૉલ્ટ જાહેર કરત તો બૅન્કના બિઝનેસ પર એની અસર જણાવાની સંભાવના હતી. આ ઉપરાંત ડિપોઝિટર્સમાં ગભરાટ વ્યાપી જાત. જોકે આમ છતાં ડિફૉલ્ટેડ લોન સામે બૅન્ક પાસે પર્યાપ્ત સિક્યૉરિટીઝ અને અસ્કયામતો હોવાથી ડિપોઝિટર્સના પૈસા સુરક્ષિત હતા. રિઝર્વ બૅન્ક રોકડ ઉપાડની મર્યાદા બે જ દિવસમાં ૧૦૦૦ રૂપિયાથી વધારીને ૧૦,૦૦૦ રૂપિયા કરીને ટૂંક સમયમાં ૧,૦૦,૦૦૦ રૂપિયાની કરશે એમ સાંભળવા મળી રહ્યું છે એના પરથી કહી શકાય કે રિઝર્વ બૅન્કે ઉતાવળમાં નિર્ણય લીધો હતો કે પછી આની પાછ‍ળ કોઈ કાવતરું હતું.

mumbai reserve bank of india