એક રાષ્ટ્ર, એક ચૂંટણી : નરેન્દ્ર મોદીએ આવતી કાલે બોલાવી સર્વપક્ષીય બેઠક

17 June, 2019 08:46 AM IST  |  નવી દિલ્હી

એક રાષ્ટ્ર, એક ચૂંટણી : નરેન્દ્ર મોદીએ આવતી કાલે બોલાવી સર્વપક્ષીય બેઠક

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક દેશ, એક ચૂંટણી’ના મુદ્દા પર ચર્ચા માટે સંસદભવનમાં તમામ પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષોની મીટિંગ બોલાવી છે. આ મીટિંગ ૧૯ જૂને થશે. સંસદીય કાર્ય પ્રધાન પ્રહ‍્લાદ જોશીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી આ બેઠકમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અને મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી સાથે જોડાયેલા કાર્યક્રમો વિશે ચર્ચા કરશે. આ ઉપરાંત મોદીએ ૨૦ જૂને લોકસભા અને રાજ્યસભાના તમામ સંસદસભ્યોની મીટિંગ બોલાવી છે.

રવિવારે સરકાર તરફથી બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકને લઈ પ્રહ‍્લા‍દ જોશીએ જણાવ્યું કે વિપક્ષી સાથે સહયોગીઓ સાથે પણ સલાહ લેવામાં આવી છે. મીટિંગ દરમ્યાન મોદીએ કહ્યું કે આ વખતે સંસદમાં ઘણા નવા ચહેરા આવ્યા છે. તેમના દ્વારા આવનારા વિચારોને સામેલ કરવા જોઈએ. ૧૯ જૂને થનારી મીટિંગમાં નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.

સર્વપક્ષીય બેઠક બાદ જોશીએ કહ્યું કે વર્ષ ૨૦૨૨માં ભારતની આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આ ઉપરાંત મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી આ વર્ષે મનાવવામાં આવશે એ સંબંધે આયોજનો વિશે ચર્ચા કરવા અને જિલ્લાઓ સંબંધિત મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવા માટે મોદીએ બેઠક બોલાવી છે.

મોદી ૩૦ જૂને મન કી બાત કરશે, લોકો પાસે સૂચનો મગાવ્યા

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની બીજી ઇનિંગમાં પણ રેડિયો પર પોતાનો કાર્યક્રમ ‘મન કી બાત’ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે તેઓ ૩૦ જૂને ફરી એક વખત રેડિયો પર લોકો સાથે વાત કરશે. આ માટેની જાણકારી ખુદ પીએમ મોદીએ શૅર કરીને કહ્યું છે કે ૩૦ જૂને સવારે ૧૧ વાગ્યે આપણે ફરી એક વખત મળીશું. રેડિયોનો આભાર, મને વિશ્વાસ છે કે તમારી પાસે પણ મારી સાથે શૅર કરવા માટે ઘણા વિચારો હશે.

પીએમ મોદીએ લોકોને પોતાનાં સૂચનો નમો ઍપ પર મોકલી આપવા માટે અપીલ કરી છે. આ મહિને સૂચનો મોકલવા માટે લોકો ૧૮૦૦૧ ૧૭૮૦૦ પર મેસેજ રેકૉર્ડ કરી શકે છે.

આ પણ વાંચો : આજથી 17મી લોકસભાનું સંસદ સત્ર: પાંચમી જુલાઈએ પૂર્ણ બજેટ

સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદીએ લોકો પાસેથી અલગ-અલગ બાબતો પર સૂચનો મગાવ્યાં છે. આ પહેલાં ૨૪ ફેબ્રુઆરીએ ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ થયું હતું. એ પછી ચૂંટણીની આચારસંહિતાના કારણે મોદીએ ચૂંટણી પછી લોકોને રેડિયો પર વાત કરવાનો વાયદો કર્યો હતો.

national news narendra modi