આજે વિશ્વ યોગ દિન: નરેન્દ્ર મોદી રાંચીમાં કરશે યોગ ડેની ઉજવણી

21 June, 2019 07:21 AM IST  |  રાંચી

આજે વિશ્વ યોગ દિન: નરેન્દ્ર મોદી રાંચીમાં કરશે યોગ ડેની ઉજવણી

વડા પ્રધાન રાંચીમાં યોગ દિવસની ઉજવણી કરશે

આજે વિશ્વ આખામાં યોગ દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવશે એવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાંચીમાં આવેલા પ્રભાત તારા ગ્રાઉન્ડમાં વર્લ્ડ યોગ ડેની ઉજવણી કરશે. સત્તાવાર માહિતી મુજબ રાંચીમાં થનારી યોગ ડેની ઉજવણીમાં અંદાજે ૪૦,૦૦૦ લોકો ભાગ લઈ શકે છે.

વિશ્વ યોગ દિવસની પૂર્વસંધ્યાએ વિશ્વની સૌથી નાની હાઇટ ધરાવતી જ્યોતિ આમગે અને યોગનિષ્ણાત ધનશ્રી લકુવાલે નાગપુરમાં યોગની પ્રૅક્ટિસ કરી હતી. (તસવીર : પી.ટી.આઈ.)

સવારના છ વાગ્યાથી કાર્યક્રમ શરૂ કરવામાં આવશે જેના માટે ત્રણ વાગ્યાથી ગેટ ખોલી દેવામાં આવશે. આ કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકો ભાગ લઈ શકે એ માટે ફ્રી બસ-સર્વિસ આપવામાં આવશે.

ફરજ દરમ્યાન યોગ : બંગાળના અખાતમાં તહેનાત ઇન્ડિયન નેવી શિપ રણવીર પર યોગની પ્રૅક્ટિસ કરતા ભારતીય નેવીના જવાન.

યોગ ફૉર હાર્ટના લક્ષ્ય સાથે આ કાર્યક્રમમાં ૨૮ ડિસ્પ્લે સ્ક્રીન, ૧૦૦થી વધુ સીસીટીવી કૅમેરા, ૪૦૦ મેક શિફ્ટ ટૉઇલેટ, ૨૦૦થી વધારે પાણીનાં પરબ, ૨૧ ઍમ્બ્યુલન્સ, આઠ મેડિકલ ટીમ અને એનડીઆરએફના જવાન ખડેપગે તહેનાત રહેશે.

ચાઇનામાં યોગ : ચાઇનાના ઝાંગજિયાજીના પર્વતીય વિસ્તારમાં આવેલા ગામ કિકીમાં યોગ કરતી એક ઉત્સાહી વ્યક્તિ.

આ ઉપરાંત યોગને વિવિધ માધ્યમ વડે પ્રમોટ કરનારાઓને ૨૦૧૯નો પીએમ અવૉર્ડ એનાયત કરવામાં આવશે જેમાં જપાન યોગ નિકેતન, ઇટલીના એન્ટોનીયેતા રોઝી, ગુજરાતના લાઇફ મિશનના સ્વામી રાજશ્રી મુની અને બિહાર સ્કૂલ ઑફ યોગ, મુંગેરનો સમાવેશ થાય છે. આયુષ મંત્રાલયે અલગ-અલગ કૅટેગરીમાં પ્રાપ્ત કુલ ૭૯ અરજીઓમાંથી વિજેતાઓની પસંદગી કરી હતી.

આ પણ વાંચો : મોબાઈલ ગેમ રમતા રમતા 12 વર્ષના બાળકનો આપઘાત

વાસ્તવમાં ૨૦૧૬ની ૨૧ જૂન જ્યારે બીજો વિશ્વ યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો હતો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને પ્રમોટ કરતી સંસ્થાઓને અવૉર્ડ આપવાની જાહેરાત કરી હતી. અવૉર્ડ મેળવનારા વિજેતાઓને ટ્રોફી, સર્ટિફિકેટ અને રૂપિયા ૨૫ લાખનું ઇનામ આપવામાં આવશે.

ranchi international yoga day narendra modi national news