ચિદમ્બરમનો મોદી સરકાર પર પ્રહાર : દેશની અર્થવ્યવસ્થા ખોટા હાથમાં

06 December, 2019 12:04 PM IST  |  New Delhi

ચિદમ્બરમનો મોદી સરકાર પર પ્રહાર : દેશની અર્થવ્યવસ્થા ખોટા હાથમાં

પી. ચિદમ્બરમ

આઇએનએક્સ મીડિયા કૌભાંડમાં આરોપી ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે તિહાડ જેલમાંથી બહાર આવ્યા પછી ગઈ કાલે પહેલી પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી. તેમણે અર્થવ્યવસ્થા અને મોંઘવારી મુદ્દે સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વર્ષ પૂરું થઈ જતાં વિકાસદર પાંચ ટકાએ આવી જાય તો આપણે ભાગ્યશાળી હોઈશું. આ પહેલાં ચિદમ્બરમ સંસદભવન પણ ગયા હતા. અહીં તેમણે કહ્યું હતું કે સરકાર મારો અવાજ ન દબાવી શકે.

હકીકતમાં સુપ્રીમ કોર્ટે બુધવારે જામીન આપતી વખતે ચિદમ્બરમ સામે આઇએનએક્સ કૌભાંડ સાથે જોડાયેલા પુરાવા સાથે ચેડાં ન કરવાની અને મીડિયામાં આ મુદ્દે જાહેરમાં કોઈ પણ નિવેદન ન આપવાનો આદેશ કર્યો હતો, પરંતુ સરકાર સામે પ્રહાર કરતી વખતે તેમણે તેમના કાર્યકાળને નિષ્કલંકિત ગણાવ્યો, જ્યારે સીબીઆઇ ભ્રષ્ટાચાર અને ઈડી મની-લૉન્ડરિંગ મામલે તેમની વિરુદ્ધ તપાસ કરે છે.

તેમણે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘આજે કોઈ પણ આરોપ વગર લોકોની ધરપકડ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનું તેઓ સ્વાગત કરે છે. જે કેસ કોર્ટમાં ચાલે છે એ વિશે તેઓ કોઈ નિવેદન નહીં આપે. છેલ્લા ૧૦૬ દિવસ મારી સાથે જે થયું એના કારણે હું વધારે મજબૂત થયો છું. પ્રધાન તરીકે મારો રેકૉર્ડ એકદમ ક્લીન રહ્યો છે. જે લોકોએ મારી સાથે કામ કર્યું છે તે લોકોને આ વાત ખૂબ સારી રીતે ખબર છે.’

ચિદમ્બરમે એવું પણ કહ્યું કે વડા પ્રધાન અર્થવ્યવસ્થા વિશે ચૂપ છે. તેમણે તેમના પ્રધાનોને ગેરમાર્ગે દોરવાવાળાં નિવેદનો કરવા માટે છોડી દીધા છે. સરકાર અર્થવ્યવસ્થાને જાળવવા માટે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે.

ચિદમ્બરમે કહ્યું, ‘હું ગઈ કાલ રાતે ૮ વાગ્યાથી ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યો છું. મારી પહેલી પ્રાર્થના છે કે ૭૫ લાખ કાશ્મીરીઓને પણ આ મોકો આપવામાં આવે. તેમને આઝાદીના મૂળ અધિકારથી વંચીત કરીને ૪ ઑગસ્ટ ૨૦૧૯થી કેદ કરીને રાખવામાં આવ્યા છે. મને કોઈ પણ કારણ વગર નજરબંધ કાશ્મીરી નેતાઓની ચિંતા થઈ રહી છે. આઝાદી આપણો અધિકાર છે અને એની રક્ષા માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ.

પ્રેસ-કૉન્ફરન્સ પહેલાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ સંસદભવન પહોંચ્યા હતા. પી. ચિદમ્બરમ રાજ્યસભાના સંસદસભ્ય છે અને આજે તેમણે ગૃહની કાર્યવાહીમાં પણ ભાગ લીધો હતો.

બીજેપીએ કહ્યું, પહેલા જ દિવસે જામીનની શરત તોડી કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે ચિદમ્બરમની પ્રેસ-કૉન્ફરન્સ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પ્રધાન મીડિયામાં નિવેદનો આપીને તેઓ જામીનની શરતો તોડી રહ્યા છે.

p chidambaram narendra modi national news