દેશના ચોરોને હવે ચોકીદારથી ડર લાગી રહ્યો છે: હિમાચલમાં મોદી

27 December, 2018 03:47 PM IST  |  Dharmashala, Himachal Pradesh

દેશના ચોરોને હવે ચોકીદારથી ડર લાગી રહ્યો છે: હિમાચલમાં મોદી

પીએમ મોદી આજે હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા અને જનસભા સંબોધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની ધર્મશાળામાં હિમાચલ સરકારને એક વર્ષ પૂરું થવા પર આયોજિત જનઆભાર રેલીને સંબોધિત કરી. આ પ્રસંગે મોદીએ કહ્યું કે જ્યારે પણ હિમાચલ આવવાનો મોકો મળે છે તો લાગે છે કે મારા પોતાના જ ઘરે આવી ગયો છું, મારા લોકોની વચ્ચે આવી ગયો છું. ઘણા લાંબા સમય સુધી અહીંના ખૂણે-ખૂણે જઈને સંગઠનનું કામ કરવાનું સૌભાગ્ય મળ્યું, ઘણું શીખવા મળ્યું. જેમની સાથે તે સમયે કામ કરવાનો મોકો મળ્યો, આજે ખુશી છે કે તે તમામ હિમાચલની પહેલી પંક્તિના નેતા બની ગયા છે. આ અતિશય ખુશીની ક્ષણ છે.

મોદીએ હિમાચલની શક્તિપીઠોને યાદ કરીને કહ્યું કે અહીંયાનું દરેક ગામ દેવી-દેવતાઓનું ગામ છે. હિમાચલ આવીને શાંતિ અને ભાઈચારાનો અનુભવ થાય છે. આ હિમાચલની એક મોટી ઓળખ છે. અહીંયા શાંતિની કૂખમાંથી વીરતા જન્મે છે. ધર્મશાળાએ આજે રમત-ગમતના ક્ષેત્રે દુનિયાભરમાં પોતાનું નામ બનાવ્યું છે. અતિશય ઓછા સમયમાં અહીંયાનો વિકાસ થયો છે.

તેમણે કહ્યું કે આજે હિમાચલના પહાડોમાં કેન્દ્ર અને હિમાચલની સરકાર વિકાસ કરાવી રહી છે. તેમણે કહ્યું કે હિમાચલમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે હવાઈ સેવાઓ અને રેલવે નેટવર્કનું ઘણું મહત્વ છે અને આ માટે કામ થઈ રહ્યું છે.

હવે ચોકીદારથી ડર લાગી રહ્યો છે

મોદીએ કહ્યું કે તેમની સરકાર સંપૂર્ણ પ્રામાણિકતાથી કામ કરી રહી છે અને ભ્રષ્ટાચારને રોકી રહી છે. દરેક ચોર દરવાજાથી થઈ રહેલા ભ્રષ્ટાચારને અટકાવવામાં આવી રહ્યો છે. એવામાં હવે ચોરોને દેશના ચોકીદારથી ડર લાગી રહ્યો છે.

વન રેંક વન પેન્શન મામલે કોંગ્રેસે દોર્યા ગેરમાર્ગે

પીએમ મોદીએ કહ્યું કે વન રેંક વન પેન્શન પર પૂર્વની કોંગ્રેસ સરકારે સેનાના જવાનોને ગેરમાર્ગે દોર્યા છે. કોંગ્રેસ જે રીતે અત્યારે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે, તે જ રીતે પહેલા જવાનોને પણ ગેરમાર્ગે દોર્યા હતા. તેમણે કહ્યું કે તે સરકારે ફક્ત લોકોની આંખોમાં ધૂળ નાખવાનું જ કામ કર્યું હતું. હવે દેવાંમાફીના નામે કોંગ્રેસ ખેડૂતો સામે જૂઠ્ઠું બોલી રહી છે.

હિમાચલના વિકાસમાં અટલજીનું મહત્વનું યોગદાન

મોદીએ કહ્યું કે અટલજીના કારણે જ આજે હિમાચલમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી છે. તેમના યોગદાનને ભૂલી શકાય નહીં. તેમણે કહ્યું કે પહાડનું પાણી અને પહાડની જવાની પહાડને કામમાં નથી આવતી. આજે હિમાચલની સરકારે એ સાબિત કરી દીધું છે કે પહાડનું પાણી અને પહાડની જવાની પણ પહાડના કામ આવશે. હિમાચલમાં રેલવે નેટવર્ક માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. હિમાચલમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકાર કામ કરી રહી છે.

himachal pradesh narendra modi