રાષ્ટ્રપતિ સમક્ષ વિરોધ પક્ષોની રજૂઆતઃદેશમાં ગંભીર હાલત,કાયદો પાછો ખેંચો

18 December, 2019 10:37 AM IST  |  Mumbai Desk

રાષ્ટ્રપતિ સમક્ષ વિરોધ પક્ષોની રજૂઆતઃદેશમાં ગંભીર હાલત,કાયદો પાછો ખેંચો

કૉન્ગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં અનેક વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા, જેમાં નાગરિકતા કાયદાને પગલે જામિયા મિલિયા ઇસ્લામિયામાં પોલીસ કાર્યવાહી સહિત દેશનાં અનેક શહેરોમાં ધાંધલધમાલ થઈ રહી હોઈ આ મામલે વાત કરવામાં આવી હતી. વિપક્ષે રાષ્ટ્રપતિ પાસે રવિવારે જામિયાના વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીની ન્યાયિક તપાસની માગ કરી છે.

કૉન્ગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ મુલાકાત પછી કહ્યું કે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને શાંતિપૂર્ણ વિરોધીઓ સાથેના વ્યવહારની રીતને લઈને અમે ખૂબ જ ચિંતિત છીએ. તેમણે બીજેપી સરકાર પર લોકોનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો. સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે અમે દિલ્હીનું એક ઉદાહરણ આપ્યું છે, જ્યાં પોલીસે જામિયા મહિલા છાત્રાલયમાં પ્રવેશ કર્યો હતો અને તેમને ખેંચીને બહાર કાઢ્યા હતા. મને લાગે છે કે તમે બધાએ જોયું હશે કે જ્યારે લોકોનો અવાજ બંધ કરવાની અને કાયદા લાગુ કરવાની વાત આવે છે ત્યારે મોદી સરકારમાં કોઈ કરુણા જોવામાં આવતી નથી. આપને જણાવી દઇએ કે વિપક્ષી નેતાઓએ સોમવારે કહ્યું હતું કે તેઓ પોલીસ કાર્યવાહી અને નાગરિકતા કાયદામાં સુધારાના વિષય પર રાષ્ટ્રપતિ પાસે પોતાનો વિરોધ નોંધાવશે. આપને જણાવી દઇએ કે દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયામાં પોલીસ કાર્યવાહી અને વિવાદિત નાગરિકત્વ (સુધારો) અધિનિયમ સામે દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયાં છે.

national news sonia gandhi