૧૭ જાન્યુઆરીએ ઇસરો સૌથી તાકાતવર ઉપગ્રહ જીસેટ-૩૦ લૉન્ચ કરશે

14 January, 2020 03:50 PM IST  |  Mumbai Desk

૧૭ જાન્યુઆરીએ ઇસરો સૌથી તાકાતવર ઉપગ્રહ જીસેટ-૩૦ લૉન્ચ કરશે

ઇસરો ૧૭ જાન્યુઆરીએ દેશનો સૌથી તાકાતવર કમ્યુનિકેશન ઉપગ્રહ જીસેટ-૩૦ લૉન્ચ કરવાની છે. આ ઉપગ્રહના લૉન્ચ થયા પછી દેશની કમ્યુનિકેશન વ્યવસ્થા વધારે મજબૂત થશે. એની મદદથી દેશમાં નવી ઇન્ટરનેટ ટેક્નૉલૉજી લાવવામાં આવે એવી શક્યતા છે. એ સાથે જ દેશમાં જ્યાં મોબાઇલ નેટવર્ક નથી ત્યાં પણ નેટવર્ક ડેવલપ કરીને સંચાર માધ્યમને સરળ બનાવવામાં આવશે.
ઇસરો જીસેટ-૩૦ યુરોપિયન હેવી રૉકેટ એરિયન-ફાઈ ઈસીએ દ્વારા ૧૭ જાન્યુઆરીએ રાત્રે ૨.૩૫ વાગે લૉન્ચ કરશે. જીસેટ-૩૦નું વજન અંદાજે ૩૧૦૦ કિલો છે. એ ઇન્સેટ સૅટેલાઇટની જેમ કામ કરશે. આ સૅટેલાઇટને ફ્રેન્ચ ગુએનાના કોરોઉના લૉન્ચ બેઝથી લૉન્ચ કરવામાં આવશે. જીસેટ-૩૦ જીએસએટી સીરિઝનો સૌથી તાકાતવર કમ્યુનિકેશન સૅટેલાઇટ છે. એની મદદથી દેશના સંચાર માધ્યમમાં ઘણો સુધારો આવશે. અત્યારે જીસેટ સીરિઝના ૧૪ સૅટેલાઇટ કામ કરી રહ્યાં છે. એના કારણે જ દેશમાં સંચાર માધ્યમ વ્યવસ્થા જળવાયેલી છે.
જીસેટ-૩૦ની મદદથી દેશનું સંચાર માધ્યમ, ટીવી પ્રસારણ, સૅટેલાઇટ દ્વારા સમાચાર મૅનેજમેન્ટ, સમાજ માટે કામ આવતી જિયો સ્પેશ્યલ સુવિધાઓ, હવામાન સંબંધીત માહિતી અને ભવિષ્યવાણી, કુદરતી દુર્ઘટનાઓની પૂર્વ માહિતી, રિસર્ચ-રેસ્ક્યુ ઑપરેશનમાં ફાયદો થશે.
આ સૅટેલાઇટ લૉન્ચ થયા પછી ૧૫ વર્ષ સુધી ભારત માટે કામ કરશે. એને જિયો-ઇલિપ્ટિકલ ઑર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. એમાં બે સોલર પૅનલ હશે અને બૅટરી હશે જે એને ઊર્જા પૂરી પાડશે.

national news isro