નુસરત જહાંને ગેરમજહબી કામ કરવાં છે તો તે પોતાનું નામ બદલી લે

08 October, 2019 11:48 AM IST  |  મુંબઈ ડેસ્ક

નુસરત જહાંને ગેરમજહબી કામ કરવાં છે તો તે પોતાનું નામ બદલી લે

નુસરત જહાં

નવી દિલ્હી : (જી.એન.એસ.) તૃણમૂલ કૉન્ગ્રેસનાં યુવા સંસદસભ્ય અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં ફરી એક વખત વિવાદમાં સપડાયાં છે. દુર્ગાપૂજાના અવસરે કલકત્તાના પંડાલમાં પતિ નિખિલ જૈન સાથે સિંદૂર લગાવીને પહોંચેલાં નુસરત જહાંથી દેવબંધી ઉલેમા ફરી એક વખત નારાજ થઈ ગયા છે. દુર્ગાભવનમાં પૂજા કરવાના મામલામાં દેવબંદી ઉલેમાનું કહેવું છે કે જો નુસરત જહાંને ગેરમજહબી કામ કરવાં છે તો તેઓ પોતાનું નામ બદલી શકે છે.

રવિવારે દુર્ગાષ્ટમીના અવસરે નુસરત જહાં માથા પર બિંદી અને સિંદૂર લગાવીને પતિ નિખિલ જૈન સાથે કલકત્તાના પંડાલમાં પહોંચ્યાં હતાં. એ દરમ્યાન ઢોલના તાલે તેઓ જોરદાર નાચ્યાં પણ હતાં. એના પર દેવબંદી ઉલેમાનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે નારાજગી વ્યક્ત કરી છે.
દેવબંદી ઉલેમાનું કહેવું છે કે નુસરત જહાં કેમ ગેરમજહબીવાળું કામ કરી રહ્યાં છે? તેમણે કહ્યું કે ઇસ્લામમાં અલ્લાહ સિવાય બીજા કોઈની ઇબાદત કરવી હરામ છે. જો નુસરત જહાંને ગેરમજહબી કામ કરવું છે તો નુસરત જહાં પોતાનું નામ બદલી લે. આ પ્રકારના અમલથી ઇસ્લામ અને મુસ્લિમોની તૌહીન કેમ કરી રહ્યાં છે.
દેવબંદી ઉલેમાએ કહ્યું કે નુસરત જહાંનો આ અમલ પહેલી વખત સામે આવ્યો નથી. તેઓ આ પહેલાં પણ પૂજા કરતાં દેખાયાં છે. આ અમલને દોહરાવતાં તેમણે આ વખતે પણ નવદુર્ગાની પૂજા કરી છે તો હું સમજું છું કે આ પ્રકારના અમલ ઇસ્લામમાં બિલકુલ યોગ્ય નથી.

national news