હવે દારૂની બૉટલ પર આવશે ચેતવણી

14 March, 2019 12:36 PM IST  | 

હવે દારૂની બૉટલ પર આવશે ચેતવણી

દારૂની બોટલ પર ચેતવણી

રાજ્યમાં પહેલી એપ્રિલથી લાગુ પડી રહેલા નવા નિયમો મુજબ દારૂની બાટલી પર ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નવા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે અને એને પગલે હવે પહેલી એપ્રિલથી દારૂની બાટલી પર આરોગ્યને હાનિકારક હોવાની ચેતવણી લખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

રાજ્યના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટનાં કમિશનર પ્રાજક્તા લવંગારેએ આ મુદ્દે માહિતી આપતાં કહ્યું હતું કે ‘પહેલી એપ્રિલથી રાજ્યમાં આ નિયમોના અમલ માટે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ સજ્જ છે. ૨૦૦૬ના સરકારના નિયમ મુજબ રાજ્યમાં બધા જ પ્રકારના દારૂ હવે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આને પગલે હવે દારૂ અંગેના નિયમો ઘડી કાઢવા અંગે ગઈ કાલે મંત્રાલયમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ અને અન્ન અને ઔષધ ઍડમિનિસ્ટ્રેશનના જૉઇન્ટ કમિશનર સી. બી. પવાર સાથે એક બેઠકનું આયોજન કરવામાં આïવ્યું હતું અને એમાં એવો નિર્ણય લેવાયો હતો કે દારૂની બાટલીની બહારની તરફ એમાં રહેલા ઘટકો, તેનું પ્રમાણ, ઍલર્જી અંગેની વિગતો અને જાહેર ચેતવણી લખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. દારૂનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે અને દારૂનું સેવન કરીને વાહન ચલાવવું નહીં એવી ચેતવણી પહેલી એપ્રિલથી દરેક બાટલી પર લખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.’

અત્યાર સુધી દારૂના ઉત્પાદકો બ્રિટિશ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટીના માપદંડ પ્રમાણે પ્રમાણિત હોવાનું લેબલ લગાવતા હતા એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘હવે આવું કરવું ગેરકાયદે માનવામાં આવશે. દારૂના દરેક ઉત્પાદકે મહારાષ્ટ્ર સરકારના ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડડ્ર્સ ઑથોરિટી પાસેથી પોતાનાં ઉત્પાદનોની માન્યતા લેવાનું ફરજિયાત છે. આ માટે બધા જ ઉત્પાદકો અને વિક્રેતાઓ સાથે બેઠકો કરીને તેમને નિર્ણયથી વાકેફ કરવામાં આવ્યા છે અને પહેલી એપ્રિલથી આ નિયમો લાગુ થઈ જશે.’

national news