આધારનો નવો નિયમ, કાયદો તોડશો તો થશે 10 વર્ષની જેલ

20 December, 2018 05:59 PM IST  | 

આધારનો નવો નિયમ, કાયદો તોડશો તો થશે 10 વર્ષની જેલ

નવા નિયમના સુધારાઓને સંસદની મંંજૂરીની ઔપચારિકતા બાકી છે. (ફાઇલ)

આધાર કાર્ડની અનિવાર્યતા બાબતે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) અને ઇન્ડિયન ટેલિગ્રાફ ઍક્ટમાં સુધારાને ગઈ કાલે કૅબિનેટે મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણય બાદ હવેથી બૅન્કમાં અકાઉન્ટ ખોલાવવા કે મોબાઇલ ફોનનું સિમ કાર્ડ લેવા માટે આધાર કાર્ડની વિગતો આપવી સંપૂર્ણપણે ગ્રાહક કે અકાઉન્ટધારકની ઇચ્છા પર નિર્ભર રહેશે અને આ માટે કોઈ સંસ્થા ફરજ પાડી નહીં શકે. સુપ્રીમ કોર્ટે જણાવ્યા મુજબ યુનિક ID ધરાવતા આધાર-નંબરનો ઉપયોગ માત્ર લોકકલ્યાણની સરકારી યોજનાઓ માટે જ કરી શકાશે.

ઓળખ અને રહેઠાણના પુરાવારૂપે આધાર કાર્ડની વિગતો આપવા દબાણ કરનારી બૅન્કો અને ટેલિકૉમ કંપનીઓએ એક કરોડ રૂપિયા જેટલો દંડ ભરવો પડે એવી શક્યતા નવી જોગવાઈમાં છે. એવું કરનારી કંપનીઓના કર્મચારીઓને પણ ત્રણ વર્ષથી દસ વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે. એથી હવે સિમ કાર્ડ લેવા કે બૅન્ક-અકાઉન્ટ ખોલાવવા આધાર કાર્ડના સ્થાને પાસપોર્ટ, રૅશન કાર્ડ કે અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરી શકાશે. આધાર કાર્ડની વિગતો આપવા કોઈ પણ સંસ્થા દબાણ કરી નહીં શકે.

ડેટાના દુરુપયોગ કરવા બદલ ૫૦ લાખનો દંડ, ૧૦ વર્ષની સજા

કાયદામાં કરવામાં આવેલા ફેરફાર મુજબ આધાર ઑથેન્ટિફિકેશન કરનારી કોઈ સંસ્થા જો ડેટા લીક માટે જવાબદાર ઠરશે તો એને ૫૦ લાખ રૂપિયા સુધીનો દંડ અને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જોકે આ સુધારાઓને સંસદની મંંજૂરીની ઔપચારિકતા બાકી છે. દેશના હિતમાં હોય એવા સંજોગોમાં આ માહિતી આપી શકાય છે.

Aadhar