પાંચ રાજ્યે નાગરિકતા કાનૂનનો અમલ કરવાની ઘસીને ના પાડી

14 December, 2019 11:46 AM IST  |  New Delhi

પાંચ રાજ્યે નાગરિકતા કાનૂનનો અમલ કરવાની ઘસીને ના પાડી

તીરછી નજર - સંસદ પરના હુમલાને ૧૮ વર્ષ ગઈ કાલ પૂરાં થયાં એ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નવી દિલ્હીમાં સંસદના સંકુલમાં યોજાયેલાં કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી બાજુબાજુમાં આવી ગયાં હતાં. તસવીરમાં મનમોહન સિંહ અને અમિત શાહ પણ જોવા મ‍ળે છે. (તસવીર : પી.ટી.આઈ.)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની બીજેપી/એનડીએ સરકારે નાગરિકતા સુધારા ખરડાને સંસદમાં પાસ કરાવી દીધો છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ગઈ કાલે રાતે એની પર હસ્તાક્ષર કરીને એને મંજૂરી આપી દેતાં આ ખરડો હવે કાયદો બની ગયો છે, પરંતુ પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કેરળ, પંજાબ, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોએ આ કાયદો લાગુ કરવાનો ઈનકાર કરી દીધો છે.

પહેલાં બંગાળે ઈનકાર કર્યો હતો અને ત્યારબાદ પંજાબ અને કેરળ રાજ્યે કાયદો લાગુ કરવાની ના પાડી છે. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ આ કાયદા સામે વિરોધ વ્યક્ત કર્યો છે અને તેને પોતાના રાજ્યમાં લાગુ ન કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે અને કેરળના પીનારાઈ વિજયને પણ પોતપોતાના રાજ્યમાં આ કાયદો લાગુ ન કરવાની જાહેરાત કરી છે. જોકે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એવી સ્પષ્ટતા કરી દીધી હતી કે આમાં કોઈ રાજ્યની પસંદગીને અવકાશ નથી. એક વાર કેન્દ્ર સરકાર દ્વારા નવા કાયદાના અમલ માટેનું જાહેરનામું બહાર પડાશે એ પછી તમામ રાજ્યોએ એનું પાલન અને એનો અમલ કરવો જ પડશે.

આ કાયદા અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલા દેશમાં ધાર્મિક અત્યાચારો સહન ન થતાં ભારતમાં આવી ગયેલા લાખો હિન્દુ, સિખ, પારસી, બૌદ્ધ, ખ્રિસ્તી જેવી લઘુમતી કોમોનાં નિરાશ્રીત લોકોને ભારતમાં નાગરિકતા આપવામાં આવશે, પરંતુ બંગાળ, પંજાબ, કેરળની સરકારોએ આ કાયદાને ગેરબંધારણીય ગણાવ્યો છે.

વિજયને કહ્યું કે આ કાયદો ભારતના બિનસાંપ્રદાયિક તથા લોકતાંત્રિક ચરિત્ર પર પ્રહાર સમાન છે.

પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે કહ્યું છે કે પંજાબ વિધાનસભામાં કૉન્ગ્રેસની બહુમતી છે અને અમે આ ગેરબંધારણીય ખરડાને લાગુ કરતો રોકીશું.

મમતા બૅનરજીએ કહ્યું છે કે આ બિલથી ડરશો નહીં, જ્યાં સુધી અમે અહીં સત્તા પર છીએ ત્યાં સુધી તમારી પર કોઈ ગમે તે લાદી નહીં શકે. આસામના ગુવાહાટી શહેરમાં નાગરિકતા ખરડાનો વિરોધ કરી રહેલા અને કર્ફ્યુના આદેશોનો ભંગ કરનાર દેખાવકારો પર પોલીસે કરેલા ગોળીબારમાં ૩ જણનાં મરણ નીપજ્યાં છે. ગુવાહાટી ઉપરાંત આસામનાં અનેક શહેરોમાં બેમુદત કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

national news new delhi