ઉત્તર ભારત ધ્રુજે છે : કાનપુરમાં ઝીરો ડિગ્રી

01 January, 2020 10:11 AM IST  |  New Delhi

ઉત્તર ભારત ધ્રુજે છે : કાનપુરમાં ઝીરો ડિગ્રી

તાપણું કરીને હાથ શેકતા જમ્મુવાસીઓ

દેશનાં અડધાથી વધુ રાજ્યો ભયંકર ઠંડીની ઝપેટમાં છે. રાત્રિ તો ઠીક દિવસના તાપમાનમાં આવેલ આ જબ્બર મોટા ઘટાડાએ હવામાન વિભાગના વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યમાં પાડી દીધા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં ઠંડીનો કહેર યથાવત્ રહેશે. પંજાબના લુધિયાણામાં થિજાવી મૂકતી ઠંડી અને બર્ફીલા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તો ગઈ રાતે કાનપુરમાં તાપમાન ૦ ડિગ્રી નોંધાયું હતું. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા રાજસ્થાન અને કાનપુરમાં માર્ગ અકસ્માતમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો હતો.

લુધિયાણાના સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઠંડીને કારણે કામ કરવું મુશ્કેલ બની ગયું છે, અે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. મહત્ત્વનું છે કે લુધિયાણામાં મંગળવારે ૪.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ સહિત આસપાસના વિસ્તારોમાં શીતલહેર અને કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત્ છે. નવા વર્ષમાં સામાન્ય હિમવર્ષા થવાની સંભાવના દેખાઈ રહી છે. મંગળવારે લખનઉનું ન્યુનતમ તાપમાન ૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ૧ અને ૨ જાન્યુઆરીએ વરસાદ પડે તેવી શક્યતા છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં હવાની ગતિ ઘટી ગઈ છે સાથે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેથી ધુમ્મસમાં વધારો થાય તેવી સંભાવના છે. લોધી રોડમાં ૩.૭ ડિગ્રી, આયા નગરમાં ૪.૨ ડિગ્રી, પાલમમાં ૪.૧ ડિગ્રી પર પારો પહોંચ્યો છે. તો જમ્મુમાં ન્યુનતમ તાપમાન ૪ ડિગ્રી પર પહોંચ્યું છે.

હવામાન વિભાગના આંકડાઓ અનુસાર મંગળવારે કાનપુર અને ફૈઝાબાદનું ન્યુનતમ તાપમાન ૬ ડિગ્રી, મુઝફ્ફરનગર ૫ ડિગ્રી, વારાણસી અને બહરાઈચમાં ૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. તો સોમવારે લખનઉનું ઊંચામાં ઊંચું તાપમાન ૧૨.૩ ડિગ્રી રહ્યું. તો ન્યુનતમ તાપમાન સામાન્ય કરતાં ૧ ડિગ્રી ઓછું ૬.૭ ડિગ્રી નોંધાયું.

આ પણ વાંચો : આસામ આજથી દુલ્હનને 10 ગ્રામ સોનું ફ્રી આપશે

ગાઢ ધુમ્મસ અને લો-વિઝિબિલિટીને કારણે રાજસ્થાનના જેસલમેર-જોધપુર નૅશનલ હાઈવે પર બે બસ અને એક કારનો અકસ્માત સર્જાયો જેમાં ૨ જણનાં મોત થયાં અને ૪ ઘાયલ થયા. તો યુપીના કાનપુરમાં પણ ધુમ્મસને કારણે માર્ગ અકસ્માતમાં ૪ જણનાં મોત થયાં.

national news delhi new delhi uttar pradesh