બાલાકોટમાં કરેલી ઍર-સ્ટ્રાઇકનો વિડિયો ઍરફોર્સે જાહેર કર્યો

05 October, 2019 03:13 PM IST  |  નવી દિલ્હી

બાલાકોટમાં કરેલી ઍર-સ્ટ્રાઇકનો વિડિયો ઍરફોર્સે જાહેર કર્યો

બાલાકોટમાં કરેલી ઍર-સ્ટ્રાઇક

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. એનો બદલો લેવા માટે જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને ઍર-સ્ટ્રાઇક કરી હતી. આ ઍર-સ્ટ્રાઇકમાં વાયુસેનાએ જૈશના આતંકવાદી કૅમ્પ પર ભયાનક બૉમ્બવર્ષા કરી હતી.

ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં ૭૦ કિલોમીટર અંદર સુધી કરવામાં આવેલી આ આક્રમક કાર્યવાહીના પુરાવા ભારતમાં કેટલાક લોકોએ અને પાકિસ્તાનમાં માગ્યા હતા. ભારતના જ કેટલાક લોકોએ વાયુસેના પર પણ સવાલ ઊભા કર્યા હતા, પરંતુ આજે ભારતીય વાયુસેનાએ આ પુરાવા જાહેર કર્યા છે.

વાયુસેના દ્વારા જાહેર કરવામાં આવેલા આ વિડિયોમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે પુલવામામાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતમાં પાકિસ્તાનના આતંકવાદીઓ વિરુદ્ધ ભારે રોષ હતો. ત્યાર બાદ વાયુસેનાએ બાલાકોટમાં ઍર-સ્ટ્રાઇક કરવાની યોજના બનાવી હતી. વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે વાયુસેનાનાં વિમાનોએ પાકિસ્તાનની સરહદમાં ૭૦ કિલોમીટર અંદર આવેલા બાલાકોટમાં ધમધમી રહેલા આતંકવાદી કૅમ્પને નિશાન બનાવ્યાં હતાં અને એનો ખુડદો બોલાવી દીધો હતો.

વિડિયોમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે બાલાકોટમાં ઍર-સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને એના બીજા જ દિવસે એટલે કે ૨૭ ફેબ્રુઆરીએ ભારતીય વાયુક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભારતીય વાયુસેનાએ તેમને મારી ભગાવ્યા હતા.

જોકે દુનિયાભરમાં નાક વઢાયા બાદ પણ પાકિસ્તાન બાલાકોટમાં કાંઈ બન્યું જ નથી એનાં ગાણાં ગાતું રહ્યું હતું. એવી જ રીતે ભારતમાં પણ કેટલાક તથાકથિત લોકોએ ઍર-સ્ટ્રાઇકના પુરાવા માગ્યા હતા. આ લોકોએ ભારતીય વાયુસેનાની ક્ષમતા પર જ સવાલ ખડા કર્યા હતા, પરંતુ આજે વાયુસેનાએ આ લોકોને સણસણતો તમાચો માર્યો છે અને બાલાકોટ હુમલાના પુરાવા જાહેર કર્યા છે.

આ પણ વાંચો : અનંતનાગમાં ડેપ્યુટી કમિશ્નરની ઑફિસને નિશાન બનાવીને હુમલો, 14 લોકો ઘાયલ

પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકવાદી હુમલા કર્યા હતા, જેમાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. ત્યાદ બાદ ભારતીય વાયુસેના પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કૅમ્પ પર અડધી રાતે કાળ બનીને ત્રાટકી હતી અને બૉમ્બ વરસાવ્યા હતા, જેમાં આશરે ૩૦૦ જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારીને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો.

national news jammu and kashmir pakistan indian army indian air force