ચિદ્‌અંદરમ્: INX મીડિયા કેસમાં પી. ચિદમ્બરમની ધરપકડ

22 August, 2019 08:13 AM IST  |  નવી દિલ્હી

ચિદ્‌અંદરમ્: INX મીડિયા કેસમાં પી. ચિદમ્બરમની ધરપકડ

પી. ચિદમ્બરમ

ઘણાં ધમપછાળા અને ચર્ચા-દલીલો બાદ ગઈ કાલે આઇએ‌નએક્સ મીડિયા કેસમાં પી. ચિદમ્બરમની સીબીઆઇ દ્વારા અટકાયત કરવામાં આવી છે. દિલ્હી હાઈ કોર્ટે ચિદમ્બરમની બેલ અરજી નકારી દીધા બાદ સીબીઆઇની ટીમ ગઈ કાલે તેમના નિવાસસ્થાને પહોંચી ગઈ હતી, પણ ચિદમ્બરમ સુધી પહોંચવા માટે સીબીઆઇની ટીમે પાંચ ફૂટની દીવાલ કૂદવી પડી હતી.

પી. ચિદમ્બરમના દિલ્હીસ્થિત નિવાસસ્થાને જ્યારે સીબીઆઇ અને ઇડીની ટીમ પહોંચી ત્યારે શરૂઆતમાં બંગલાનો મેઇન ગેટ ખોલવામાં નહોતો આવ્યો. થોડીવાર રાહ જોયા બાદ ગેટ ન ખૂલતા અધિકારીઓને બંગલાની પાંચ ફૂટની દીવાલ કૂદવાનો વારો આવ્યો હતો. સીબીઆઇ અને ઇડીની એક ટીમ બંગલાની પાછળના ભાગમાં આવેલા ગેટ તરફ પહોંચી ગઈ હતી જેથી ચિદમ્બરમ બંગલામાંથી ભાગી ન શકે.

સીબીઆઇ અને ઇડીની ટીમના ત્રણ અધિકારીઓએ દીવાલ કૂદ્યા બાદ મેઇન ગેટ ખોલ્યો અને ત્યાર બાદ બાકીના અધિકારીઓ બંગલામાં પ્રવેશ્યા હતા. બહારના માહોલને સંભાળવા માટે દિલ્હી પોલીસ પણ ત્યાં હાજર રહી હતી. અધિકારીઓ અંદર પહોંચતા ચિદમ્બરમ સિબ્બલ અને સંઘવી સાથે બેઠા હતા.

સરકાર દ્વારા પ્રેરિત રાજકીય ષડ્ યંત્ર : કાર્તિ ચિદમ્બરમ

૨૦૦૮માં થયેલા આઇએનએક્સ મીડિયા કેસમાં ગઈ કાલે સીબીઆઇ દ્વારા થયેલી પી. ચિદમ્બરમની અટકાયત અંગે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે સીબીઆઇ અને સરકાર પર રોષ ઠાલવતા કહ્યું કે ‘આ સરકાર દ્વારા પ્રેરિત એક રાજકીય ષડયંત્ર છે.’

ક્યાં છૂપાયા હતાં?

પી. ચિદમ્બરમની ધરપકડ પૂર્વેની ઘટનાઓ નાટ્યાત્મક અને રસપ્રદ હતી. મંગળવારે દિલ્હી હાઈ કોર્ટે આઇએનએક્સ મીડિયા કેસમાં આગોતરા જામીન માટેની અરજી રદ કર્યા પછી ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ આશ્ચર્યજનક રીતે રફૂચક્કર થઈ ગયા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ અને સીબીઆઇના અધિકારીઓ પૂછપરછ માટે પી. ચિદમ્બરમની રાહ જોતા રહ્યા અને તેઓ તેમના ડ્રાઇવર અને ક્લર્કને અડધે રસ્તે છોડીને અજાણ્યા સ્થળ ભણી રવાના થઈ ગયા હતા. મંગળવારે સર્વોચ્ચ અદાલતની બહાર પગ મૂકતાંની સાથે ચિદમ્બરમના મોબાઇલ ફોન્સ સ્વિચ ઑફ સ્થિતિમાં હતા.

ત્યાર પછી સીબીઆઇ અને ઈડીના અધિકારીઓએ ચિદમ્બરમને પૂછપરછ માટે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તેમની અવરજવર માટે જાણીતાં ડઝનેક ઠેકાણાં પર શોધખોળ કરી હતી. તપાસ સંસ્થાઓના અધિકારીઓ મંગળવારે સાંજે ૬.૪૫ વાગ્યે જોરબાગ ખાતેના રહેઠાણે પહોંચ્યા ત્યાં ચિદમ્બરમ મળ્યા નહોતા. સીબીઆઇની ટીમ ત્યાંથી પાછી વળી ત્યારે ઈડીની ટીમ ચિદમ્બરમની ધરપકડ માટે પહોંચી હતી. બન્ને તપાસ સંસ્થાઓએ એ રીતે અનેક ઠેકાણે શોધખોળ આદરી હતી. સીબીઆઇએ ચિદમ્બરમના ઘરની બહાર નોટિસ ચોંટાડી હતી. ત્યાર પછી તેમના વકીલ અર્શદીપસિંહ ખુરાનાએ સીબીઆઇને પત્ર લખીને પૂછ્યું હતું કે અદાલત કયા કાયદા હેઠળ ચિદમ્બરમને બે કલાકમાં કોર્ટમાં હાજર થવાનો આદેશ આપી શકે?

સુપ્રીમે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર

આઇએનએક્સ મીડિયા મની લૉન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી છે. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી પણ કોઈ જ રાહત મળી નથી.

ધરપકડથી બચવા આગોતરા જામીનની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી અને સ્પષ્ટ કહી દીધું હતું કે અરજીકર્તા આગામી સુનાવણીની રાહ જુઓ.

સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલ તરફથી કહેવામાં આવ્યું હતું કે જો તમામ ખામીઓ દૂર થઈ છે તો મામલાની સુનાવણી કરવામાં આવે, પરંતુ જસ્ટિસ રમન્નાએ કહ્યું કે અમે માત્ર લિસ્ટિંગ કરીશું, મામલો નહીં સાંભળીએ.

કૉન્ગ્રેસના સાંસદનો પક્ષ રજૂ કરતાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ચિદમ્બરમની ધરપકડ રોકવાની અપીલ કરી હતી. તેમણે દલીલ આપી હતી કે મારા અસીલ ક્યાંય ભાગી નથી જતા. જોકે આ મામલે કોર્ટે કહ્યું હતું કે અરજીકર્તાની અરજી દોષપૂર્ણ છે અને તેને ખામીમુક્ત કર્યા બાદ જ લિસ્ટિંગ માટે મોકલવામાં આવી શકે છે. જસ્ટિસ રમન્નાએ કહ્યું હતું કે અમે આનાથી વધારે કશું જ ન કરી શકીએ. અરજીકર્તાએ આજ સવાર સુધીની રાહ જુઓ.

અમિત શાહ / ચિદમ્બરમની ઘટનાક્રમની સરખામણી?

રાજનીતિમાં કોઈ પણ ચીજ સ્થિર નથી રહેતી. બદલાતા સમય સાથે દેશની આબોહવા પણ બદલાઈ જાય છે. એક સમયે દેશના નાણાપ્રધાન રહી ચૂકેલા પી. ચિદમ્બરમની આઇએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઇએ ધરપકડ કરી છે ત્યાં બીજી બાજુ હાલના ગૃહપ્રધાન અમિત શાહ અને પી. ચિદમ્બરમ વચ્ચેની સરખામણીએ જોર પકડ્યું છે.

વાસ્તવમાં યુપીએ સરકારના સમયે જ્યારે પી. ચિદમ્બરમ દેશના ગૃહપ્રધાન હતા ત્યારે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં અમિત શાહની સીબીઆઇ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને તેમને ત્રણ મહિના જેલમાં રહેવાનો વારો આવ્યો હતો, પણ આજે સમય બદલાઈ ચૂક્યો છે. બીજેપી સરકારમાં ગૃહપ્રધાન તરીકે કાર્યરત અમિત શાહના નેતૃત્વમાં આજે પી. ચિદમ્બરમની હાલત કફોડી થઈ ગઈ છે.

કૉન્ગ્રેસનું આ બાબતે કહેવું છે કે અમિત શાહની એ સમયે થયેલી અટકાયતનો બદલો લેવા બીજેપી નવા પેતરા અપનાવી રહી છે.

સરકાર એની તાકાતનો ખોટો ઉપયોગ કરી રહી છેઃ રાહુલ ગાંધી

કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે ચિદમ્બરમ સામે તપાસ કરતી એજન્સીઓ વિશે ટીપ્પણી કરી છે. તેમણે ટ્વીટમાં કહ્યું છે કે મોદી સરકાર ઈડી, સીબીઆઇ અને એક મીડિયા વર્ગનો ચિદમ્બરમનું ચરિત્ર ખરાબ કરવા માટે ઉપયોગ કરી રહી છે. હું તાકાતના આ ખોટા ઉપયોગની નિંદા કરું છું.

p chidambaram national news